પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો “માડી” પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ ૨૧ હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમવાનો રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે યુવાનોએ “નો ડ્રગ્સ” ના શપથ ડ્રગ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિઓએ રેકોર્ડ જાહેર કર્યો હતો. તેમજ આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવરાત્રી પર્વ દરમિયાન માં અંબાની આરાધના કરે છે અને નકોરડા ઉપવાસ પણ કરે છે. તેમણે માં અંબા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો ભાવભર્યો ગરબો “માડી” રચ્યો હતો, આ ગરબા પર આજે અહીં લાખોની મેદનીમાં લોકો ગરબે રમવા પધાર્યા છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાત પર મા અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી શુભકામના પણ સી.આર.પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
ખ્યાતનામ ગાયક પાર્થિવ પટેલ અને તેની ટીમે જય શ્રી રામ , ભારત કા બચ્ચા જય શ્રી રામ બોલેગા સહિતના ગીતો પર ખેલૈયાઓ ડોલી ઉઠ્યા હતા. રાજકોટ શહેર ભાજપ, સ્વ.નિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ ઈનક્રેડીબલ ગ્રુપ દ્વારા આયોજિત આજના ગરબા મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ રામ મોકરીયા, મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુ વાળા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, બ્રિજેશ મેરજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, અગ્રણીઓ જૈમિન ઠાકર, મનીષ રાડીયા, પુષ્કર પટેલ, રાજુ ધ્રુવ, ડી વી મહેતા સહિત પદાધિકારીઓને લાખોની સંખ્યામાં ગરબે રમવા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.