ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લિગામેન્ટની ઈજાને કારણે ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહી શકે છે. આ મેચ રવિવારે 29 ઓક્ટોબરે લખનૌમાં રમાશે. આ મેચ માટે તે ટીમ ઈન્ડિયા સાથે લખનઉ ગયો નથી. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), બેંગલુરુમાં છે અને તેની ઈજાની સારવાર ચાલી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેની ઈજા ઠીક નહીં થાય તો તે 2 નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા અને 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
પુણેમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. 9મી ઓવરના ત્રીજા બોલ પર તેની પગની ઘૂંટી વળી ગઈ હતી. તે પોતે ક્રિઝ પર બેસી ગયો હતો. ગંભીર ઈજાના કારણે તે બાકીની મેચ રમી શક્યો નહોતો. તેની ઓવર પણ વિરાટ કોહલીએ પૂરી કરી હતી.
હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પણ રમ્યો નહોતો. તે પુણેથી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ગયો હતો. હાલમાં તે એનસીએમાં જ ડોકટરોની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે.