જસદણ તાલુકાના ખડવાવડી ગામની પ્રાથમિક શાળામાં ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત ખેડૂતો અને સ્થાનિકોએ ઉત્સાહભેર ડ્રોન પ્રદર્શન નિહાળ્યું હતું.
લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અર્થે ગ્રામ્ય સ્તરે વિવિધ કાર્યક્રમો ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે યોજાઇ રહયા છે, જેનો લાભ ખડવાવડીના ગ્રામજનોએ લીધો હતો. ગામની મહિલાઓ તેમજ દીકરીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કેલેંડરો સાથે સેલ્ફી પડાવી હતી.
ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ ડ્રોન પ્રદર્શન નિહાળી તેની ગતિવિધિઓથી માહિતયગાર થયા હતા, આ પ્રસંગે આરોગ્યલક્ષી પરીક્ષણો કરાયા હતા અને ગ્રામજનોને આરોગ્ય બાબતે વિવિધ જાણકારી આપવામાં આવી હતી. ‘‘ધરતી કહે પુકારકે’’ અંતર્ગત પ્રદર્શન યોજાયું હતું, ઉપરાંત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, બાળ શક્તિ યોજના વગેરે જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘‘મેરી કહાની-મેરી જુબાની’’ હેઠળ પોતાના મંતવ્યો રજૂ કરીને વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેવાની અપીલ કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં મહિલાઓએ વિવિધ સરકારી યોજનાઓના પોસ્ટર સાથે સેલ્ફી પડાવી હતી.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી પ્રભાબેન માલકીયા, વિસ્તરણ અધિકારી શ્રી જયદીપભાઇ મેર, વાસમો વિભાગના શ્રી પારૂલબેન માલકીયા, સભ્યશ્રી વાઘજીભાઈ મકવાણા, કાનજીભાઈ જાપડિયા સહિતના આગેવાનો ગ્રામજનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.