રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે. રણબીર કપૂર અને માનુષી છિલ્લર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ ગુરુવારે જામનગર પહોંચી ગયા છે. શુક્રવારે કરીના કપૂર ખાન, ડીજે બ્રાવો, સારા અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સ્ટાર્સ જામનગર જવા રવાના થયા હતા. આ દરમિયાન શ્રદ્ધા કપૂર તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહી હતી.
વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
અંબાણી પરિવાર લગ્નના ચાર મહિના પહેલા અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી કરી રહ્યો છે. જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન રાધિકા અને અનંતના લગ્નની ઉજવણી થઈ રહી છે, જેમાં બી-ટાઉનની અનેક હસ્તીઓ આવી પહોંચી છે અને કેટલીક આવી રહી છે.
ગુરુવારે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, નીતુ કપૂર, રાની મુખર્જી, મનીષ મલ્હોત્રા, શાહરૂખ ખાન, ગૌરી ખાન, સુહાના ખાન, સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સ જામનગર પહોંચ્યા હતા. રાધિકા અને અનંતના લગ્નમાં ધમાલ મચાવવા માટે આવેલી પોપ સ્ટાર રીહાન્ના પણ ટ્રક ભરી સામાન લઈને જામનગર પહોચી હતી.
કરીના પરિવાર સાથે પહોંચી
કરીના કપૂર ખાન શુક્રવારે તેના પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમુર-જેહ સાથે જામનગર પહોંચી હતી. ખાન પરિવારમાં ઇબ્રાહિમ અલી ખાન, સારા અલી ખાન અને કરિશ્મા કપૂર પણ જોડાયા હતા. કરિના એથનિક લુકમાં અદભૂત લાગી રહી હતી.
કિયારા-સિદ્ધાર્થ જામનગર પહોંચ્યા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રાધિકા અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી ગયા છે. આ કપલ જામનગર એરપોર્ટ પર એકબીજા સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. કિયારા કો-ઓર્ડ સેટમાં ફેશન ગોલ આપી રહી હતી. પીળા ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં સિદ્ધાર્થ સુંદર લાગતો હતો.