ટી.બી.ના દર્દીને રૂ.500, કેન્સરના દર્દીને રૂ.1000, રક્તપિતના દર્દીને રૂ.800 તેમજ એઇડ્સના દર્દીને રૂ.500 પ્રતિ માસ મળવાપાત્ર

ગુજરાત સરકાર દ્વારા ટીબી, કેન્સર, રક્તપિત, એચ.આઇ.વી. જેવા રોગોમાં લાભાર્થીને પોતાના બેંક એકાઉંટમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરથી સહાય ચુકવવામાં આવે છે.

આ યોજનાનો લાભ કોને મળી શકે?

તબીબી સહાય યોજનાનો લાભ લેવા માટે ઉપરોક્ત રોગ માટે સરકારી હોસ્પિટલનું પ્રમાણપત્ર લેવું જરૂરી છે તેમજ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ. એક લાખ વીસ હજારથી ઓછી હોય અને શહેરી વિસ્તારના લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ. એક લાખ પચાસ હજારથી ઓછી હોય તેવા લાભાર્થીઓને સહાય મળવાપાત્ર છે. લાભાર્થીએ જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

ટી.બી.ના દર્દીને પ્રતિ માસ રૂ. ૫૦૦, કેન્સરના દર્દીને પ્રતિ માસ રૂ. ૧૦૦૦ અને રક્તપિતના દર્દીને પ્રતિ માસ રૂ. ૮૦૦,  સારવાર દરમિયાન મળવાપાત્ર છે. તેમજ  એચ.આઇ.વી. એઇડ્સના દર્દીને પ્રતિ માસ રૂ. ૫૦૦ રોગ મટે નહીં ત્યાં સુધી મળવાપાત્ર છે.

આ સહાય મેળવવા માટે લાભાર્થીએ નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી ફોર્મ મેળવવાનું રહેશે. જ્યાં સારવાર ચાલતી હોય તે સરકારી હોસ્પિટલના ડોકટરના સહી-સિક્કા કરાવવાના રહેશે. અને ફોર્મની સાથે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુકની નકલ, આધાર કાર્ડ નકલ તથા રેશનકાર્ડની નકલ જોડવાની રહેશે. અને ફોર્મ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીએ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી વિસ્તારના લાભાર્થીએ અર્બન આરોગ્ય કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે.

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડ દ્વારા તબીબી સહાય યોજનાનો લાયકાત ધરાવતા દર્દીને લાભ મળે, તેવી જાહેર જનતાને યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *