સામાજિક એકતા અને સમાનતા રાષ્ટ્રને વિકાસના માર્ગે લઈ જાય છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે, સામાજિક એકતા અને સમાનતા રાષ્ટ્રને વિકાસના માર્ગે લઈ જાય છે. બિહારના મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સમૃદ્ધિ માટે સાદગી અને સત્યતા જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સૂચવેલા માર્ગને અનુસરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, પ્રાદેશિક વિવિધતા અને વિશિષ્ટતાઓને યુવાનોના રોજગાર માટે ઉપયોગમાં લઇ શકાય છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને ડિગ્રી અને ચંદ્રકો એનાયત કર્યા હતા. આજે કુલ 1 હજાર 85 વિદ્યાર્થીઓ અને સંશોધકોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ અને બુરુન્ડીના વિદ્યાર્થીઓને પણ ડિગ્રી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ સમારોહમાં અભિનેતા અને દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીને માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરી હતી. તેમણે ભૂતપૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ આર.કે. સિંહાને માનદ ડોક્ટરેટથી સન્માનિત કર્યા.

આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જાહેરાત કરી હતી કે, સાત વર્ષ જૂની યુનિવર્સિટીને ટૂંક સમયમાં કાયમી બિલ્ડિંગ મળશે અને રાજ્ય સરકાર ત્રણ દિવસમાં જરૂરી 300 એકર જમીનની ફાળવણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાશે, તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *