સિંગર નિકિતા ગાંધીએ નાસભાગમાં વિદ્યાર્થીઓના મોત પર કર્યો શોક વ્યક્ત

કેરળના કોચીમાં પ્રખ્યાત બોલિવૂડ સિંગર નિકિતા ગાંધીના કોન્સર્ટમાં ભાગદોડની એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં, આ નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા અને લગભગ 64 ઘાયલ થયા હતા. ગાયકે સોશિયલ મીડિયા દ્વારા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર, દુઃખ વ્યક્ત કર્યું છે.

શનિવારે મોડી સાંજે, કેરળની કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં ઓપન એર ટેક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં સિંગર નિકિતા ગાંધીનો, કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ પછી અચાનક નાસભાગમાં 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ અતુલ થંબી, એન રૂપ્થા, સારા થોમસ અને એલ્વિન જોસેફ તરીકે થઈ છે.

સિંગર નિકિતા ગાંધીએ, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “25 નવેમ્બરની સાંજે, કોચીમાં બનેલી ઘટના હૃદયદ્રાવક અને અત્યંત દુઃખદ હતી. હું આ કોન્સર્ટમાં જવા નીકળી, તે પહેલા જ આ કમનસીબ ઘટના બની હતી. મારી પાસે આ દુ:ખ વ્યક્ત કરવા માટે પૂરતા શબ્દો નથી. હું વિદ્યાર્થીઓના પરિવારો માટે પ્રાર્થના કરું છું.”

કોચી યુનિવર્સિટીના કોન્સર્ટમાં, નાસભાગનું કારણ વરસાદ હતો. વરસાદ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ ભાગવા લાગ્યા હતા અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની, જ્યારે નિકિતા ગાંધીનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો. પરંતુ નિકિતાનો કોન્સર્ટ શરૂ થાય તે પહેલા આ ઘટના બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *