ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ તેજ ગતિથી વધી રહ્યો છે. આજે બાગાયતી ખેતી એક આધુનિક વ્યવસાય તરીકે વિકસી રહી છે. ત્યારે પરંપરાગત ખેતીથી અલગ ફળોની ખેતી કરવા માંગતા ધરતીપુત્રો માટે કમલમ્ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાતમાં કમલમ્ તરીકે ઓળખાતું ડ્રેગન ફ્રુટ એ થોરની પ્રજાતિનું ફળ છે. કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામીન સી અને વિટામીન બી જેવા પોષકતત્વોથી ભરપૂર કમલમના ફળ, ફુલ અને છોડને પણ ઉપયોગમાં લઈ શકાય છે અને ફળમાંથી મૂલ્યવર્ધક વસ્તુઓ પણ બનાવી શકાય છે. ત્યારે અદ્યતન ટેકનોલોજી અને ગુજરાત સરકારના સહકાર થકી રાજકોટ જિલ્લાના ખેડૂતો ફળ અને શાકભાજીના ક્લસ્ટર બનાવી ખેતીના માધ્યમથી સમૃદ્ધ બની રહ્યાં છે.
ધોરાજીના પ્રગતિશીલ ખેડૂતભાઈઓ શ્રી ભગવાનજીભાઈ ચવાડીયા અને શ્રી જેન્તીભાઈ ચવાડીયા કહે છે કે અમે ૭૫ વીઘા જમીનમાં કમલમનું વાવેતર કર્યું છે. કમલમની ટકાઉ ક્ષમતા બીજા ફળોની સરખામણીમાં વધારે છે. તેને બીજા પાકોની સરખામણીમાં ઓછા પાણી અને ઓછી કાળજીની જરૂર રહે છે. એક વીઘા જમીનમાં માંડવા પદ્ધતિથી કમલમના ઉત્પાદનનો ખર્ચ આશરે રૂ. ૫૦ હજારથી ૬૦ હજારનો થાય છે. તેની સામે આવક રૂ. ૨ લાખથી રૂ. ૨.૩૦ લાખ જેટલી થાય છે. કમલમની ખેતી માટે એક હેક્ટરની મર્યાદા માટે પહેલો હપ્તો રૂ. ૮૪ હજાર અને બીજો હપ્તો રૂ. ૪૨ હજાર મળી કુલ રૂ. ૧ લાખ ૨૬ હજારની સરકારી સહાય પ્રાપ્ત થઇ છે. સાથેસાથે જરૂરી દસ્તાવેજો જમા કરાવવાની પ્રક્રિયામાં પણ બાગાયત તંત્રનો પૂરતો સહયોગ મળ્યો છે. અગાઉ ચંદનના રોપા અને કમલમના રોપાની સહાય પણ લીધેલી છે. સરકારની આર્થિક સહાય મળતાં નફો સારો થયો છે, આવકનું પ્રમાણ વધતા કમલમ્ એ જાણે જીવનમાં ખુશહાલી લાવી છે, તે માટે ગુજરાત સરકારનો આભાર
ગોંડલ તાલુકાના બંધીયા ગામમાં રહેતા શ્રી ધીરજલાલ રાણપરીયા પણ આટલી જ કૃતજ્ઞતા સાથે જણાવે છે કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર કે કમલમની ખેતી માટે આર્થિક ટેકો આપ્યો. કમલમની ખેતી માટે અમને એક હેક્ટર માટે રૂ. ૧ લાખ ૩૧ હજારનો પહેલો હપ્તો મળેલો છે, બીજો હપ્તો પણ ટૂંક સમયમાં મળી જશે. અમે સાત વર્ષથી કમલમની ખેતી કરીએ છીએ. થાંભલી પદ્ધતિથી કમલમના વાવેતરમાં ૧ વીઘે રૂ. સવા લાખ જેટલા ખર્ચની સામે રૂ. ૫ લાખથી રૂ. ૬ લાખ જેટલી આવક થાય છે. સાથેસાથે છોડના ટુકડાઓમાંથી રોપા તૈયાર કરીને તેનું વેચાણ પણ કરીએ છીએ. રોગ-જીવાતનું પ્રમાણ નહિવત્ હોવાથી કીટનાશક/ફૂગનાશકનો ખર્ચો લાગતો નથી. તેમજ બીજા-ત્રીજા વર્ષમાં પોતાનું રોકાણ પાછું મેળવી શકાય છે. આથી, કમલમના ઉત્પાદને સારી આવક રળી આપતા ખરા અર્થમાં જીવનધોરણ ઊંચું આવ્યું છે. ત્યારે અન્ય ખેડૂતો પણ બાગાયતલક્ષી યોજનાઓનો લાભ લે, તેવો અનુરોધ છે.
આમ, ‘સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ રાષ્ટ્ર’ની નેમ સાથે ખેડૂતો સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને, તે માટે ગુજરાત સરકારે કૃષિવિકાસ અંગે અનેકવિધ યોજનાઓ બનાવી છે. જેના અંતર્ગત ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. જેના પરિણામે ફળ, શાકભાજી જેવા બાગાયતી પાકોના ઉત્પાદનમાં તો વધારો થયો જ છે, તેની સાથે ધરતીપુત્રો પણ આત્મનિર્ભર બની રહ્યા છે.