પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની વાત કરીએ તો વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ PM મોડીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે વિરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાયું છે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.5130 કરોડ છે.