23 જાન્યુઆરીએ ઓસ્કાર નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે, 23 કેટેગરીમાં નામાંકન જાહેર કરવામાં આવ્યા હતા અને ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપેનહેઇમર’ને સૌથી વધુ નામાંકન મળ્યા છે. આ ઉપરાંત ભારતની એક ડોક્યુમેન્ટ્રીએ પણ ઓસ્કારમાં સ્થાન મેળવ્યું છે.
આ મંગળવારે એટલે કે 23 જાન્યુઆરીના રોજ 96માં ઓસ્કાર નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. આમાં, શ્રેષ્ઠ દસ્તાવેજી શ્રેણી માટે નામાંકિત થયેલ એકમાત્ર ભારતીય ફિલ્મ છે “ટુ કીલ અ ટાઈગર”. આ ફિલ્મ ઝારખંડની એક બળાત્કાર પીડિતા છોકરી અને તેના પિતાના સંઘર્ષની વાર્તા પર આધારિત છે. આ ડોક્યુમેન્ટરી બતાવે છે કે કેવી રીતે બેડો, રાંચીના રહેવાસી ખેડૂત, સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી તેની 13 વર્ષની પુત્રીને ન્યાય મેળવવા પોલીસ, રાજકારણીઓ, ગુંડાઓ અને ગ્રામજનોના દબાણનો સામનો કરે છે.
નિશા પાહુજા દ્વારા નિર્દેશિત આ ડોક્યુમેન્ટરી સંપૂર્ણ રીતે બેડોમાં શૂટ કરવામાં આવી છે. આ જ સ્થળે ગેંગરેપની ઘટના બની હતી. 9 મે 2017ના રોજ બેડોમાં એક સગીર છોકરી લગ્નમાંથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન ત્રણ લોકોએ તેનું અપહરણ કર્યું અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. આરોપીઓ સામે પોલીસ રિપોર્ટ નોંધાવવાથી માંડીને તેમની ધરપકડ કરવા સુધી તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ તેને સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા કેસ અને આરોપો પાછા ખેંચવા દબાણનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં ગામના લોકોએ યુવતી પર આરોપ લગાવ્યો હતો. આ ડોક્યુમેન્ટ્રી આ સમગ્ર લડાઈ દરમિયાન છોકરી અને તેના પિતાને જે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો તેના પર આધારિત છે.
પીડિતા અને તેના પિતા વચ્ચેની લડાઈમાં એક સ્વૈચ્છિક સંસ્થા ઊભી થઈ અને આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા. ઓસ્કાર પહેલા આ ફિલ્મનું પ્રીમિયર ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું છે. ત્યાં તેણે એમ્પ્લીફાઈ વોઈસ એવોર્ડ જીત્યો. આ સિવાય તેને અલગ-અલગ ફિલ્મ ફેસ્ટિવલમાં કુલ 19 એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મ ડેવિડ ઓપેનહેમ, નિશા પાહુજા, કોર્નેલિયા પ્રિન્સિપે અને એન્ડી કોહેન દ્વારા બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્કાર એવોર્ડ 11 માર્ચે આપવામાં આવનાર છે.
ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’ 2024ના ઓસ્કારમાં બોબી વાઈનઃ ધ પીપલ્સ પ્રેસિડેન્ટ, ધ એટરનલ મેમોરી, ફોર ડોટર્સ એન્ડ 20 ડેઝ ઈન મેરીયુપોલની ડોક્યુમેન્ટરી સાથે સ્પર્ધા કરશે. ઓસ્કાર એવોર્ડ્સ 2024 10 માર્ચ, 2024 ના રોજ લોસ એન્જલસ, યુએસએમાં ડોલ્બી થિયેટરમાં યોજાશે