‘નમો ડ્રોન દીદી’ યોજનાઃ રામળિયા ગામના ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવનું લાઈવ નિદર્શન

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે ૩૦મી નવેમ્બરે લાભાર્થીઓ સાથે સંવાદ કરવા સાથે બે નવી યોજના લોન્ચ કરી હતી. જેમાં મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારતી અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યોજના લોન્ચ થયા બાદ જસદણ તાલુકાના રામળિયા ખાતે ખેતી પાકમાં ડ્રોનનું લાઇવ નિદર્શન કરવામાં આવ્યું હતું.


રામળિયા ગામ ખાતે રાજ્યના જળસંપત્તિ, પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈના હસ્તે આ ડ્રોન ઉડ્ડયનનો પ્રારંભ કરાવ્યા બાદ, ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ઊભા પાક વચ્ચે કઈ રીતે અસરકારકતાથી ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવ કરી શકાય તે સૌએ અચરજ સાથે નિહાળ્યુ હતું.


આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, સાંસદશ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રવિણાબેન રંગાણી, વિધાનસભાના નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકશ્રી આર.એસ. ઠુંમર, જસદણના પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ નાકિયા, રામળિયાના સરપંચશ્રી મુન્નાભાઈ સિતાપરા અન્ય અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘નમો ડ્રોન દીદી યોજના’ લોન્ચિંગ સાથે આ યોજના અંતર્ગત દેશભરમાં ૧૫ હજાર સ્વસહાય જૂથોને નમો ડ્રોન આપવાની જાહેરાત કરી હતી. આ તકે વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, આ યોજના ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધારશે. સાથે ખેતીક્ષેત્રે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને તેઓના ઉત્પાદનમાં મૂલ્યવૃદ્ધિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *