મુખ્યમંત્રીના હસ્તે વિંછીયામાં 214 દિવ્યાંગ લાભાર્થીઓને 28 લાખથી વધુના 300થી વધુ સાધનો થશે અર્પણ

રાજ્ય સરકાર રાજ્યના તમામ નાગરિકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરેક જાતિ, સમાજના તમામ અબાલ-વૃદ્ધો, દિવ્યાંગો, છેવાડામાં વસતા વંચિતો, શોષિતોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત તત્પર રહે છે. માત્ર કોઈ એક અંગની ખામીથી પર થઈ ખુમારી અને અનેરા જુસ્સાથી જીવન જીવતા રાજ્યના દિવ્યાંગોના જીવનને વધુ સાનુકૂળ બનાવવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં સામાન્ય નાગરિકો સાથે જોડવા માટે રાજય સરકાર દ્વારા તાલુકા સ્તરે દિવ્યાંગોની તપાસ માટેના કેમ્પ યોજી તેઓને સાધન સહાય અર્પિત કરી દેશના વિકાસમાં જોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ વિંછીયા ખાતે ૨૧૪ જેટલા વિછિયા તાલુકાના દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવશે. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે ગત તા. ૫ જાન્યુઆરીના રોજ વિંછીયા ખાતે તાલુકા કક્ષાએ જ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેનો ૪૬૦ જેટલા દિવ્યાંગોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં એલિમ્કો સંસ્થા દ્વારા ૨૧૪ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી તેમના સાધન સહાય માટેની કામગીરી હાથ ધરવામા આવી હતી. સાથે જ આ કેમ્પમાં ૩૨૫ દિવ્યાંગોને અસ્થિ વિષયક, ૪૬ દિવ્યાંગોને ઈએનટી, ૫૮ને મનોદિવ્યાંગતા, ૪૫ દિવ્યાંગોને આંખની દિવ્યાંગતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ ૨૧૪ લોકોને યુ.ડિ.આઈ.ડી. કાર્ડ, ૫૩ લોકોને આવકના પ્રમાણપત્ર, ૫૭ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ તથા ૧૦ લોકોને આભા કાર્ડ, ૦૩ આધાર કાર્ડ અને ૩ વય પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે એલીમ્કો દ્વારા તપાસ થયેલા ૨૧૪ લાભાર્થી દિવ્યાંગોને મોટરાઇઝ ટ્રાઇસિકલ, બ્રેઈલ કીટ, ફોલ્ડિંગ વ્હિલ ચેર, સ્માર્ટફોન, રોલેટર, ક્રચ એલ્બો, વોકિંગ સ્ટિક, કેન સહિતના ₹.૨૮ લાખ ૯૩ હજાર, ૪૫૦ના ૩૭૧ સાધનો એનાયત કરવામાં આવશે. કલેક્ટરશ્રી પ્રભવ જોશીની પહેલ થકી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જનરલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સી.એસ.આર. હેઠળ હાલ સુધીમાં રાજકોટ જિલ્લાના પડધરી ખાતે દિવ્યાંગોને તાલુકા સ્તરે જ એસેસમેન્ટ કેમ્પ અને સાધન સહાય વિતરિત કરવામાં આવી ચૂકયા છે.અન્ય તાલુકાઓમાં પણ કામગીરી કરવામાં આવશે.

સર્વ જન સુખાયના મંત્રને હૃદયસ્થ કરીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દિવ્યાંગોને સહાય થકી તેમની ખુમારીને વધુ મજબૂત કરવા માટેની કામગીરી કરી રહી છે. આ સાધનો થકી દિવ્યાંગોને રોજિંદા જીવનના અનેક કાર્યો કરવામાં સરળતા પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં ખુશાલી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *