જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. લસણમાં થતા રોગને નિયંત્રણમાં લાવવા માટે તેના પાયામાં ૨૫ કિલોગ્રામ નાઇટ્રોજન ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ ૫૦ કિલોગ્રામ પોટાશ અને ૨૫૦ કિલોગ્રામ એરંડીનો ખોળ પ્રતિ હેક્ટર મુજબ આપી વાવણી કરવી જોઈએ. ના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે વાવેતર સમયે ઓકિસફ્લુઓફેર્ન ૨૩.૫ ટકા ૨૦ મિલી / ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી જોઈએ. જેનાથી લસણનો પાક રોગમુક્ત રહી શકે છે.
પાકમાં નિંદણો અને તેમના નિયંત્રણમાં વપરાતી રાસાયણિક દવાઓ અંગે સમજ
ખેતીમાં આપણા ચાર મુખ્ય દુશ્મનો છે. રોગ, જીવાત, ઉંદર અને નિંદણ. આમાથી રોગ ધ્વારા ર૬.૩ ટકા, જીવાત ધ્વારા ૯.૬ ટકા, ઉંદર ધ્વારા ૧૩.૮ ટકા અને નિંદણ ધ્વારા સૌથી વધુ ૩૩.૮ ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયુ છે. નિંદણને કારણે જુદા જુદા પાકોમાં થતો ઉત્પાદનનો ઘટાડો ૧૦ થી ૧૦૦ % જેટલો થઈ શકે છે. નિંદણ ધ્વારા પાક ઉત્પાદનમાં સૌથી વધુ ઘટાડો જીરુના પાકમાં (૯૦ થી ૧૦૦ % ) તથા સૌથી ઓછો ઘટાડો વરીયાળીમાં (૧૦ થી ૪ર % ) નોંધાયો છે. નિંદણ એક હઠીલો , વણનોતર્યો, બીજા પાકોની સાથે ઉગતો પાક, ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો કરનારો, ખેતી ખર્ચ વધારનારો, પ્રતિકૂળ આબોહવામાં પણ અડીખમ ટકી રહેનારો ખેડૂતોનો સૌથી મોટો અને છુપો દુશ્મન છે. આવા શકિતશાળી દુશ્મનને કાબુમાં રાખવા સામ, દામ, દંડ અને ભેદની ચારેય નિતિઓની જેમ અવરોધક અને પ્રતિરોધક ઉપાયોનો સંયુકત રીતે મારો ચલાવવો પડે. પરંતુ જેમ દુશ્મન ઉપર હલ્લો કરતા પહેલા તેની પાયાની વિગતો જેવીકે તે કયા કુળનો છે ? તેની સબળાઈ કે નબળાઈ કઈ છે ? તે અહી સુધી કેવી રીતે પહોચ્યો ? તે આપણને કેવી રીતે નુકસાન કરી શકે તેમ છે ? વગેરેથી માહિતગાર થવુ જરૂરી છે. એ જ પ્રમાણે નિંદણ નિયંત્રણ માટે પણ કેટલીક પાયાની વિગતોની જાણકારી જરૂરી છે.
નિંદણ એટલે શું ?
વર્ષોથી ખેતી કરતા ખેડૂત મિત્રો તેમના દુશ્મન નંબર – ૧ થી પરિચિત હોય જ. તેથી જયારે એમ પુછીએ કે નિંદણ એટલે શું ? ત્યારે અમારા ખેડૂત ભાઈઓ મુછમાં હસવા લાગે. તેમની અનુભવી આંખોમાં ચમકારો આવે અને મગજમાં જબકારો થાય બાપલા. ખેતરમાં પાક સિવાય જે પણ ઘાસ–કચરુ થાય તે બધુ જ નિંદણ. હજુ પણ આ વ્યાખ્યાને વધુ વ્યાપક બનાવીએ તો મુખ્ય પાક અથવા ઈચ્છીત પાકો સિવાયના વણજોઈતા કોઈપણ પાક, ઘાસ કે કચરાને નિંદણ કહે છે. આમ, કપાસના પાકમાં જો તુવેરના વણજોઈતા છોડ ઉગ્યા હોય તો તુવેરના છોડ પણ નિંદણ કહેવાય. અને એથી ઉલ્ટુ તુવેરના ખેતરમાં કપાસ ઉગી નિકળે તો તે પણ નિંદણ કહેવાય. તો હવે પ્રશ્ન આવે છે કે,