જામનગર: અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરીવારની અન્નસેવા

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તે તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે. તેઓ જુલાઈમાં લગ્ન કરશે.પરંતુ તે પહેલા તેમના પ્રી-વેડિંગ બેશની ચર્ચા છે. આ કપલના લગ્નની ઉજવણી 1-3 માર્ચના રોજ ગુજરાતના જામનગરમાં થશે. ત્યારે પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા, અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે.

અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે
આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.

આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી, શ્રી અનંત અંબાણી અને સુશ્રી રાધિકા મર્ચન્ટ⁠, સુશ્રી રાધિકા મર્ચન્ટના માતા-પિતા શ્રી વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ સુશ્રી રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રાત્રિભોજન બાદ, ઉપસ્થિત સહુકોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.

અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત, ‘માનવ સેવા એ જ માધવ સેવા’ – ‘માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે’ને ચરિતાર્થ કરી હતી. આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *