ભારતના જાણીતા ક્રિકેટ ખેલાડી બિશનસિંહ બેદીનું આજે દિલ્હીમાં 77 વર્ષની વયે નિધન થયું છે. 2 અઠવાડિયા પહેલા તેમની સર્જરી થઈ હતી અને ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
ગૃહમંત્રી અમિત શાહે અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દિગ્ગજ ક્રિકેટર બિશનસિંહ બેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, બિશન બેદીને માત્ર ક્રિકેટમાં તેમના યોગદાન માટે જ નહીં પરંતુ પિચ પર તેમની જાદુઈ સ્પિન બોલિંગ માટે પણ યાદ કરવામાં આવશે.
જ્યારે અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટમાં બિશનસિંહ બેદીનું યોગદાન અને મેદાન પર તેમની કુશળતા હંમેશા યાદ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમૃતસરમાં જન્મેલા બિશનસિંહ બેદી ડાબા હાથના ઑફ-સ્પિનર હતા અને ભારત માટે 67 ટેસ્ટ રમી હતી, જેમાં તેમણે 266 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે 10 વન-ડે ઈન્ટરનેશનલમાં 7 વિકેટ ઝડપી હતી. બિશનસિંહ બેદી, પ્રસન્ના, બી.એસ ચંદ્રશેખર અને એસ.વેંકટ રાઘવન ભારતીય સ્પિન બોલિંગના ઇતિહાસમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. ભારતની પ્રથમ વન-ડે જીતમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. બિશન બેદીને 1970માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને 2009માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.