દર વર્ષ જુલાઇ મહિનાને ડેંગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જુલાઇ મહિનામા વરસાદની ઋતુ હોવાથી આ મહિનાને મચ્છરજન્ય રોગ અને તાવ (Fever) વિશે જાગૃતિ ફેલાવવા માટે અભિયાન રૂપે ઉજવવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં જુલાઇ માસ દરમ્યાન ડેન્ગ્યુ અટકાયત માટે આરોગ્ય વિભાગ તરફથી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દરેક ગામોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર બહેનો દ્વારા દરેક ઘરોની મુલાકાત લઇ આરોગ્ય શિક્ષણ આપી તેમની રૂબરુ મુલાકાત દરમ્યાન જો તાવના દર્દીઓ જોવા મળે તો તેના લોહીના નમુના લઇ સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવે છે. જરુરીયાત મુજબ પાણીના ટાંકામાં એબેટ નામની દવા નાખવામાં આવે છે. મોટા બંધિયાર ખાડા કે નદીમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવ્યા છે.
ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે.ચોખ્ખા પાણીમાં પણ મચ્છરની ઉત્પત્તિ થાય છે. તેથી આ વિશે જનજાગૃતિ લાવવા માહિતી આપવામાં આવે છે અને ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવે છે. ડેન્ગ્યુથી બચવા લોકોને પાણી ભરવાના વાસણો, ટાંકીઓ નિયમિત સાફ કરી સુકવીને પછી ફરીથી ભરવા જોઇએ, તેને હવા ચુસ્ત કપડાથી કે ઢાંકણાથી બંધ રાખવા જોઇએ. ટાયર, નકામા ડબ્બા, ખાલી વાસણોમાં પાણી ન ભરાવા દેવું, ખાડા ખાબોચીયાનુ પાણી વહેતુ કરી દેવુ, મોટા ખાડામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવી, પુરુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, દવાવાળી મચ્છરદાનીમાં સુવુ, સાંજે દિવસ આથમે બારી બારણા બંધ રાખવા અને લીમડાનો ધુમાડો કરવો વગેરે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આમ છતાં તાવ આવે ત્યારે આરોગ્ય કર્મચારી કે આશાનો સંપર્ક સાધી, તેમને લોહીનો નમુનો આપી, તેમની સુચના મુજબ સારવાર કરવા દરેકને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, રાજકોટની યાદી દ્વારા અપીલ કરવામા આવે છે.