આ કારણથી 8 માર્ચે જ ઉજવવામાં આવે છે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’

વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસ લૈંગિક સમાનતા અંગેની જાગૃતતા ફેલાવવા અને સમાનતાના લક્ષ્યાંક હાંસલ કરવા માટે એજન્ડા અને કૉલ ટુ એક્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ધ્યેય મેળવવા માટે ઈવેન્ટ્સ અને અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવે છે.

આ રીતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની પ્રથમ વખત થઈ હતી શરૂઆત
આ ક્રાંતિ 20મી સદીમાં અમેરિકન સમાજવાદી અને શ્રમિક ચળવળો સાથે ઉદ્દભવી હતી. તે સમયે મહિલાઓ કામકાજના કલાકો ઓછા કરવા, સમાન અને સારું વેતન તેમજ મતદાનના અધિકાર માટે લડતી હતી. પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે 10 લાખથી વધુ લોકોએ રેલીઓ કાઢી હતી. ત્યારથી તે મહિલાઓ માટે સમાનતાથી લઈને કાર્યસ્થળે મહિલાઓ સામે થતી હિંસા સુધીના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને 1977માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.

ત્રણ રંગો કરે છે આ દિવસનું પ્રતિનિધિત્વ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગો સફેદ, લીલો અને જાંબલી છે. મહિલા દિવસ અભિયાન મુજબ, સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, લીલો રંગ આશાનું પ્રતિનિધિત્વ કરે છે અને જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *