હેરી બ્રુક અંગત કારણોસર ભારત સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ નહીં હોય. જેને લઈને ઈંગ્લેન્ડે હવે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દિધી છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામે 25 જાન્યુઆરીથી શરૂ થનારી 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે હેરી બ્રુકના સ્થાને અન્ય પ્લેયરના નામની જાહેરાત કરી છે. ડેન લોરેન્સ હવે ભારત સામેની શ્રેણીમાં હેરી બ્રુકની જગ્યાએ ટીમનો ભાગ હશે. હેરી બ્રુક અંગત કારણોસર શ્રેણી શરૂ થાય તે પહેલા જ ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. ECBએ જાહેરાત કરી છે કે લોરેન્સ આગામી 24 કલાકમાં ભારત પહોંચીને ટીમ સાથે જોડાશે.
ECB એ શ્રેણીમાંથી બહાર થયા પછી તરત જ હેરી બ્રુકના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી. ECBએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ડેન લોરેન્સ ભારત સામેની શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાશે.” લોરેન્સ આગામી 24 કલાકમાં ટીમ સાથે જોડાઈ જશે.
અગાઉ ECBએ હેરી બ્રુકના ભારતના પ્રવાસમાંથી બહાર હોવાની માહિતી આપી હતી. ECBએ બ્રુક વિશે નિવેદન જારી કરીને કહ્યું કે, “હેરી બ્રુક અંગત કારણોસર ભારત સામેની શ્રેણીનો ભાગ નહીં હોય અને તે ઈંગ્લેન્ડ પરત જઈ રહ્યો છે.” બ્રુકના પરિવારે અપીલ કરી છે કે તેમની પ્રાઈવેસીનું ધ્યાન રાખવામાં આવે.
તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે ડેન લોરેન્સને ભારત આવવાનો મોકો મળ્યો છે. 2021 માં લોરેન્સ ભારત સામે 4-ટેસ્ટ શ્રેણીનો ભાગ હતો. અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં લોરેન્સે ઈંગ્લેન્ડ માટે શાનદાર બેટિંગ કરી હતી અને 46 અને 50 રનની ઈનિંગ્સ રમી હતી. જો કે આ શ્રેણીમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.
લોરેન્સે વર્ષ 2021માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. તેની શરૂઆતથી, લોરેન્સે 11 ટેસ્ટ રમીને 551 રન બનાવ્યા છે અને આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 29 રહી છે.