સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ગઈકાલે 19મી એશિયન ગેમ્સમાં ચંદ્રક જીતવા બદલ સશસ્ત્ર દળોના જવાનોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સુવર્ણ ચંદ્રક વિજેતાઓને 25 લાખ રૂપિયા અને રજત ચંદ્રક વિજેતાઓને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે કાંસ્ય ચંદ્રક વિજેતાઓને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
નવી દિલ્હીમાં સંરક્ષણ સેવાઓના ખેલાડીઓના સન્માન સમારોહને સંબોધતા, શ્રી સિંહે એવા ખેલાડીઓની પણ પ્રશંસા કરી જેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ ચંદ્રકો જીતી શક્યા ન હતા. શ્રી સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચંદ્રકો અને પ્રદર્શન દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ આવવા માટે પ્રેરણા આપશે. તેમણે સશસ્ત્ર દળોના જવાનોની હંમેશા વિવિધ રમતોમાં ચંદ્રક વિજેતાઓમાં સ્થાન મેળવવા બદલ પ્રશંસા કરી હતી.