મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની શુભેચ્છા મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની દસમી કડીમાં મોઝામ્બિક ડેલીગેશન સાથે ભાગ લેવા આવેલા રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી.


મોઝામ્બિક રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીનીએ આઇ.આઇ.એમ અમદાવાદમાં તેમણે અભ્યાસ કર્યો હતો તેનાં સંસ્મરણો તાજા કરતા ગુજરાતને પોતાનું સેકન્ડ હોમ ગણાવ્યું હતું.


વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અમદાવાદ વસવાટ કરતા હતા અને તેમનાં નેતૃત્વમાં થયેલા ગુજરાતનાં સર્વગ્રાહી વિકાસનાં શરૂઆતનાં તબક્કાનાં તેઓ સાક્ષી રહ્યા હતાં તેમ તેમણે ઉમેર્યું હતું.


શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની ગુજરાતનાં હાલનાં વિકાસથી પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતનાં વિકાસનાં રોલમોડેલ તરીકે ગુજરાતનો આ વેગવંતો વિકાસ દેશ અને દુનિયાની આંખે ઉડીને વળગ્યો છે.


તેમણે ગુજરાત બીજ અને એગ્રોટેક ક્ષેત્રમાં અગ્રેસર છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મોઝામ્બિકમાં મકાઇ, ચોખા, અડદ અને શાકભાજીનું વિપુલ ઉત્પાદન થાય છે, ત્યારે ગુજરાતની કંપનીઓ મોઝામ્બીકનાં કૃષિ ક્ષેત્રને વેગ આપી શકે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.


આ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટને પગલે ગુજરાતનો ગ્રોથ સૌ માટે ઉદાહરણ રૂપ બન્યો છે. એટલું જ નહીં આ સમિટની સફળતાથી પ્રેરીત થઈને અનેક દેશોએ પોતાના બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અહીં કર્યાં છે અને તેમને પોતાનાં દેશ કે રાજ્ય જેવું વાતાવરણ મળ્યું છે.


વાયબ્રન્ટ સમિટથી માત્ર વેપાર ઉદ્યોગનો જ નહીં સોશિયલ સેક્ટરનો પણ વિકાસ થયો છે અને આ સમિટ બોન્ડીંગનું માધ્યમ બન્યું છે તે પ્રત્યેક સમિટમાં વિવિધ દેશોની ઉત્તરોત્તર વધતી ભાગીદારીથી ફળીભૂત થયું છે.


એગ્રીકલ્ચર, એગ્રોફૂડ પ્રોસેસીંગ સેક્ટરમાં ગુજરાત અગ્રેસર છે અને મોઝામ્બીક જેવા વિકસતા દેશ માટે આ ક્ષેત્રમાં સહભાગીતાની તકો એક્સપ્લોર કરવા વાઇબ્રન્ટ સમિટ રાઇટ પ્લેટફોર્મ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.


આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીનાં મુખ્યઅગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથ, મુખ્યસચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્યસચિવ શ્રી પંકજ જોશી, એસ.જે.હૈદર તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *