લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ પહોંચાડતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ આવતીકાલે ૧૨મી જાન્યુઆરીએ રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી તથા રાજસમઢિયાળા ગામમાં પહોંચશે. જેના પગલે આ રથને વધાવવા માટે ગામલોકોમાં ઉત્સાહનો માહોલ છે.
મહત્વનું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, બહેનોને પોષણ કીટ, પ્રોપર્ટી કાર્ડ-જમીનની સનદ, ઉજ્જ્વલા ગેસ યોજના વગેરે કેન્દ્ર સરકારની ૧૭ જેટલી યોજનાઓના લાભ ઘરઆંગણે જ આપવામાં આવે છે. આ તકે સરકારી યોજનાઓની માહિતી આપતા સ્ટોલ્સ પણ લગાવવામાં આવે છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી પણ ઘરઆંગણે જ મળી રહે છે.
ઉપરાંત ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, દવા છંટકાવ સહિતના કામ કેટલી સરળતાથી થઈ શકે તેનું પણ નિદર્શન કરવામાં આવે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હાલ આઝાદીના અમૃત કાળમાં ૨૫ વર્ષમાં સખત પુરુષાર્થ કરીને ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત અને વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાનું વિઝન રજૂ કર્યું છે, ત્યારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રસંગે નાગરિકો પણ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે પુરુષાર્થ કરવા સંકલ્પબદ્ધ બને છે.
ગ્રામીણ વિસ્તારમાં કઈ ૧૭ યોજનાના ઘરઆંગણે મળે છે લાભ?
૧. આયુષ્યમાન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના/PM JAY), ૨. પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY), ૩. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM), ૪. પી.એમ. આવાસ યોજના ગ્રામીણ (PMAYG), ૫. પી.એમ. ઉજ્જવલા યોજના, ૬. પી.એમ. વિશ્વકર્મા યોજના, ૭. પી.એમ. કિસાન સન્માન, ૮. કિસાન ક્રેડિટ કાર્ડ, ૯. પી.એમ. પોષણ અભિયાન, ૧૦. હર ઘર જલ – જલ જીવન મિશન, ૧૧. સ્વામિત્વ, ૧૨. જન ધન યોજના, ૧૩. જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), ૧૪. સુરક્ષા વીમા યોજના (PMSBY), ૧૫. અટલ પેન્શન યોજના, ૧૬. પી.એમ. પ્રણામ, ૧૭. નેનો ફર્ટિલાઇઝર.