નવા વર્ષના પ્રથમ સૂર્યોદયે રાજ્યભરમાં ઐતિહાસિક સૂર્યનમસ્કાર કાર્યક્રમનું ૧૦૮ સ્થળો પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સ્થિત ઐતિહાસિક સ્મારક મોહનદાસ ગાંધી વિદ્યાલય ખાતે વહેલી સવારે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. અધિક કલેક્ટરશ્રી કે.જી. ચૌધરીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોનું સ્વાગત તુલસી રોપાથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કડવીબાઈ શાળા અને સાંદિપની શાળાની વિદ્યાર્થીનીઓએ યોગ કલાનું પ્રદર્શન કર્યું હતું.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ આપણી પ્રાચીન યોગની ધરોહરને વિશ્વ સ્તરે મૂકી છે. સૂર્યનમસ્કાર એ શ્રેષ્ઠ કસરત છે. ૧૨ આસનોના મિલનરૂપ આ સૂર્ય નમસ્કાર સૂર્યદેવને વંદન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. તેઓશ્રીએ કાર્યક્રમમાં સામેલ થવા માટે સ્પર્ધકોને બિરદાવ્યા હતાં.
સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારિયાએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નાગરિકો અને ભાવિ પેઢીના સારા સ્વાસ્થ્ય માટે સરકાર યોગને પ્રોત્સાહન આપીને જન – જન સુધી પહોંચાડી રહી છે. સૂર્યનમસ્કાર સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. તેઓશ્રીએ તમામને રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર અપનાવી નવા વર્ષની શરૂઆત આ સ્વાસ્થ્યપ્રદ ટેવથી કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૂર્યમંદિર મોઢેરા ખાતેથી યોજાયેલ રાજયકક્ષાના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેની સાથે સાથે ઉપસ્થિત સ્પર્ધકો દ્વારા સામૂહિક રીતે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતાં. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મોઢેરાથી ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી સ્પર્ધકોને સંબોધિત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ શ્રી મંજુબેન કુંગશિયા તેમજ શ્રી રસીલાબેન સાકરીયા, ગાંધી મ્યુઝીયમનાશ્રી બી.એલ કાથરોટીયા, વી. ડી. ધોળિયા, મામલતદાર શ્રી એસ. જે. ચાવડા, યોગ બોર્ડના કોચશ્રીઓ શ્રી નીતિનભાઈ કેસરિયા, શ્રી મીતાબેન તેરૈયા, શ્રી પદ્માબેન રાચ્છ, શ્રી નીતાબેન શાહ તેમજ યોગ ટ્રેનરની ટીમ અને મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યાં હતાં.