બીએસએફ એ ભારત-પાકિસ્તાન સરહદ પર ફિરોઝપુર સેક્ટરમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી છે. પકડાયેલો ઘૂસણખોર પાકિસ્તાની નાગરિક છે. બીએસએફ ના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે જેસીસી બેરિયર પાસે બીએસએફ 155 બટાલિયનના જવાનો દ્વારા ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરતા આરોપીને પકડવામાં આવ્યો હતો.
પાકિસ્તાની નાગરિક પાસેથી મળી આવેલા આધાર કાર્ડ મુજબ યુવકની ઓળખ ફૈસલાબાદના રહેવાસી રબીબ બિલાલ તરીકે થઈ છે. આધાર કાર્ડ મુજબ તે પાકિસ્તાન સ્થિત કોસી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. તલાશી દરમિયાન તેની પાસેથી બે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માચીસ અને ટૂથબ્રશ મળી આવ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીની બીએસએફના જવાનો દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પછી જ ખબર પડશે કે તેના ભારતીય સરહદમાં પ્રવેશવાનું કારણ શું છે. હાલમાં પકડાયેલા આરોપી પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તે ભારતીય સરહદમાં કેમ ઘૂસ્યો તેની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીએસએફ, આરોપીનું બોડી સ્કેન કરાવશે, જેથી તેના શરીરમાં કોઈ પ્રકારની ચિપ વગેરે છે કે કેમ તે જાણી શકાય.