ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૩નો “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર” વિતરણ યોજાયો સમારોહ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૩નો “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર” વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોને ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ભારત સરકાર પુરસ્કૃત ૨૫ મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતા પશુ દવાખાના)નું લોકાર્પણ કરી તેને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળના ૨૦ નવનિર્મિત ઉપકેન્દ્રોનું ઇ-લોકાર્પણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતની વિકાસ પરંપરામાં પર્યાવરણ અને પશુધનનું આગવું મહત્વ રહ્યું છે. ભારતીય પરંપરામાં આર્થિક ક્ષેત્રે પણ પ્રકૃતિ અને પશુધનનો ખાસ વિચાર કરવામાં આવ્યો છે. આ જ કારણે વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને પશુપાલનને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને પ્રકૃતિ સાથે પ્રગતિના સમન્‍વયની દિશા દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેતી અને પશુપાલન બંન્ને એકબીજાના પૂરક વ્યવસાય અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં મહત્વના પરિબળ છે. વડાપ્રધાનશ્રીએ રાસાયણિક ખાતરથી મુક્ત સ્વાસ્થ્ય-વર્ધક ખેતી માટે બેક ટુ બેઝિક્સનો મંત્ર આપી પ્રાકૃતિક ખેતી-ગાય આધારિત ખેતીની પ્રેરણા આપી છે. આ ગાય આધારિત ખેતી પણ પશુપાલન વ્યવસાયને નવું બળ આપનારી બની છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણી પાસે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપ છે, જે ભવિષ્યની સંભાવનાઓને જોઈ શકે અને એ પ્રમાણે આજના આયોજન કરી શકે. એનું ઉત્તમ ઉદાહરણ આપણને તાજેતરમાં જ મળ્યું. કચ્છના ધોરડો ગામ માટે કહેલું કે અહીં દેશ અને દુનિયાના લોકો સફેદ રણ જોવા આવશે. હમણાં જ વર્લ્ડ હેરિટેજ ઓર્ગનાઈઝેશને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કર્યું છે. આ ધોરડોમાં જ જી-20ની બેઠક પણ યોજાઈ હતી. તેનાથી આખા વિશ્વને આ ગામની સુંદરતા માણવાની તક મળી હતી.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સો દુઃખોની એક દવા સમાન પ્રાકૃતિક ખેતીને મહત્વ આપ્યું છે. જમીનોમાં મોટા પ્રમાણમાં વપરાયેલા રાસાયણિક ખાતરને લીધે આજે નાની ઉંમરે લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે, તે સૌના ઉપયોગરૂપ પ્રાકૃતિક ખેતી છે. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતા પશુપાલકોને સન્માન આપવાની પ્રણાલી શરૂ કરી છે, તે જ કડીમાં શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ-૨૦૨૩-૨૪નું આયોજન થયું છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતે દરેક ક્ષેત્રે અગ્રેસર અને પ્રથમ રહેવાની પરંપરા વિકસાવી છે. પશુ આરોગ્ય મેળા, એનિમલ હેલ્થકાર્ડ, સોઈલ હેલ્થકાર્ડ, ખેલ મહાકુંભ જેવા અનેક આયામો વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય સ્તરે દેશવ્યાપી બનાવ્યા છે.

પશુપાલન ક્ષેત્રે ગુજરાતને મળેલી સિદ્ધિઓ આલેખતા શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત ગુજરાતના ત્રણ પશુધન નિરીક્ષકોને ‘બેસ્ટ એ.આઈ. ટેકનીશિયન’ માટેના એવોર્ડ, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાત રાજ્યને ‘બેસ્ટ પર્ફોર્મંગ સ્ટેટ’નો એવોર્ડ, ગુજરાત રાજ્યને દેશમાં ‘બેસ્ટ એનિમલ હસબન્ડરી સ્ટેટ’નો એવોર્ડ, ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ઈન એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર’નો એવોર્ડ, રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત ગુજરાતની પાંચ સંસ્થાઓને ‘રાષ્ટ્રીય કામધેનુ પુરસ્કાર’ તથા ચાર પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર’, વગેરે પુરસ્કારો-સન્માન મળ્યા છે, જે દર્શાવે છે કે પશુપાલન ક્ષેત્રે આપણે ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ વિજેતા પશુપાલકોને અભિનંદન આપવા સાથે ઉપસ્થિત સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ પશુપાલકોને પ્રોત્સાહન મળે તે પ્રકારના આ કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપતા જણાવ્યું કે, અબોલ પશુઓના સારવારની ચિંતા કરીને તૈયાર કરવામાં આવેલા ફરતા પશુ દવાખાના એટલે કે મોબાઈલ વેટરનરી યુનિટ સમગ્ર દેશમાં સૌ પહેલા ગુજરાતે શરૂ કર્યા હતા. એટલે કે આ ગુજરાત મોડલ ભારત સરકારે અપનાવ્યું છે. 

શ્રી રૂપાલાએ ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુપાલનને સ્વતંત્ર મંત્રાલય બનાવવાનો લીધેલો નિર્ણય પશુપાલન પ્રવૃત્તિઓ અને પશુપાલકોના ઉત્થાન માટે અતિ મહત્વનો સાબિત થયો છે. વડાપ્રધાનશ્રીએ પશુપાલન ક્ષેત્રે વિશેષ પ્રોત્સાહન માટે કરેલા નિર્ણયો તથા પશુપાલકો માટે તૈયાર કરેલી વિવિધ યોજનાઓ અંગે વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના અહેવાલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, દુનિયાના એવરેજ ગ્રોથ થી ભારતનો એવરેજ ગ્રોથ બમણો હોવાની નોંધ આ અહેવાલમાં લેવાઈ છે. દુનિયાનો એવરેજ ગ્રોથ ૩.૫ ટકા છે જ્યારે ભારતનો એવરેજ ગ્રોથ ૬.૫ ટકા છે.

ખેડૂતોની જેમ જ પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે, ત્યારે પશુપાલકોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળી રહે તે નિર્ધાર સાથે ગુજરાત સરકાર પોતાના પશુપાલકો વતી ૪ ટકા વ્યાજ બેંકને ચૂકવે છે. ગુજરાત સરકારની આ મહત્વપૂર્ણ પહેલ દેશભરમાં પ્રથમ છે જે પશુપાલકો પ્રત્યેની તેમની સંવેદનશીલતા દર્શાવે છે. 

ગૌધનના મહત્વ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, પહેલાના જમાનામાં પશુધન ન હોય તેને આ દેશમાં નિર્ધન ગણાતા હતા અને હવે એ સમય દૂર નથી જેની પાસે ગાયો હશે તે ગામનો જ નહીં પરંતુ રાજ્યનો સુખી માણસ ગણાશે.

રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર મેળવનાર પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પશુપાલન વ્યવસાય અને પશુપાલકોની મહેનતે રાજ્યમાં ડેરી ઉદ્યોગને જન્મ આપ્યો છે અને ગ્રામ્ય જીવનને સશક્ત બનાવ્યું છે. એમાં પણ પશુપાલન ક્ષેત્રે પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યુ છે. આજે રાજ્ય કક્ષાના ૩ એવોર્ડ મેળવનાર પશુપાલકો પૈકી એક એવોર્ડ મહિલા પશુપાલકે મેળવેલ છે, જે પશુપાલન ક્ષેત્રે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.

મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, સેવા, સુસાશન અને ગરીબ કલ્યાણ એ જ અમારી સરકારનો મુખ્ય ધ્યેય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પશુ સારવાર, પશુપાલકોની આવક, પશુ ઓલાદ સુધારણા જેવા અનેક પ્રશ્નો અંગે ચિંતા કરીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને પશુપાલકોને સમૃદ્ધિ તરફ દોરવાનું કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલી આ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, પશુઓને થતા રોગોને અટકાવવા માટે પશુઓનાં સાર્વત્રિક રસીકરણ પર રાજ્ય સરકારે વિશેષ ભાર મૂક્યો છે. અમારી સરકારે વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ ટકા પશુઓને ખરવા મોવાસા અને અન્ય રોગ સામે રસી આપવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૦૨-૦૩થી શરૂ કરાવેલ રાજ્ય વ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાન હેઠળ દર વર્ષે ૪૫૦૦થી વધુ ૫શુ આરોગ્ય મેળાઓ થકી નિ:શુલ્ક ૫શુસારવાર આપવામાં આવે છે. 

મંત્રીશ્રીએ કહ્યું કે, પશુપાલકોને ઘર આંગણે પશુ સારવાર સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ ૫૩૦૦ થી વધુ ગામોને આવરી લઇ ૪૬૦ મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે, જેનો લાભ પશુપાલકોને મળી રહ્યો છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે મૈત્રી કેન્દ્રનું લોકાર્પણ, કામધેનુ યુનિવર્સિટીના પ્રોફેસરોને નિમણૂક પત્ર તેમજ નવનિયુકત પશુચિકિત્સા અધિકારીઓને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા.

આ પ્રસંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલા, વિભાગના અધિકારીશ્રીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *