મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે રેણુકા સિંહ છત્તીસગઢની ભરતપુર-સોનહટ સીટ પરથી જીત્યા છે.
હવે નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યમંત્રી શોભા કરંદલાજેને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો. આ સિવાય રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારને આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ સિંહ પટેલે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ મધ્યપ્રદેશના સીએમ બનવાની રેસમાં છે. તેનું કારણ એ પણ છે કે ભાજપ નવા ચહેરાને તક આપવા માંગે છે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જોકે પાર્ટીએ આ અંગે કંઈ કહ્યું નથી.
અર્જુન મુંડા પહેલેથી જ આદિજાતિ બાબતોના પ્રધાન છે જ્યારે શોભા કરંદલાજે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન છે. આ ઉપરાંત રાજીવ ચંદ્રશેખર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે. આ સિવાય ભારતી પ્રવીણ પહેલાથી જ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં રાજ્ય મંત્રીનું પદ સંભાળી રહ્યા છે.