એડવેન્ચર ટુરિઝમ માટે ભારતને ટોચના 10 વૈશ્વિક સ્થળોમાં સામેલ કરવાની દિશામાં વધુ એક પગલું

આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા, એકતા નગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ATOAI) દ્વારા 15મા વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સમાપ્ત થયું. આ કોન્કલેવમાં કેન્દ્ર અને વિવિધ રાજ્યોના મુખ્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો, ટૂર ઓપરેટરો અને પ્રેક્ટિશનરોએ ભાગ લીધો હતો. 

આ કોન્કલેવ દ્વારા ભારતને એડવેન્ચર ટુરિઝમ ક્ષેત્રે વિશ્વમાં ટોચના 10 સ્થળોમાં સ્થાપિત કરવાની દિશા નિર્ધારિત કરવામાં આવી છે. ATOAIના પ્રમુખ અજીત બજાજના સ્વાગત પ્રવચન સાથે કોન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોન્કલેવ દરમિયાન, અરૂણાચલ પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ ગુજરાતના માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ATOAI કોન્કલેવમાં લગાવવામાં આવેલ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વનની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલ વૈવિધ્યસભર પ્રવાસન અને માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હતી, જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં પ્રવાસીઓના અનુભવને યાદગાર અને બહેતર બનાવવાનો છે. વધુમાં, તેમણે પ્રવાસન નીતિ 2021-25, હેરિટેજ પ્રવાસન નીતિ, હોમસ્ટે નીતિ અને સિનેમેટિક પ્રવાસન નીતિ સહિત પ્રવાસન ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનુભવાયેલ ઉષ્માભર્યા આતિથ્ય પર તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતના લોકો ખરેખર અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરે છે. તેમણે એમ કહીને પોતાના સંબોધનનું સમાપન કર્યું કે ગુજરાતનો પ્રવાસ હંમેશા મારા માટે આનંદદાયક હોય છે.

વધુમાં, ગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે જબરદસ્ત વિકાસ કર્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીના સ્થળોમાંનું એક છે. ગત વર્ષોમાં, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ પછી, ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત ખૂબ જ નીતિ આધારિત રાજ્ય છે, અને નીતિઓને વધારવા તેમજ તેમને બધા માટે મૈત્રીપૂર્ણ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મૈત્રીપૂર્ણ નીતિઓના કારણે વિવિધ ક્ષેત્રોમાં જબરદસ્ત વિકાસ જોવા મળી રહ્યો છે.” તેમણે ગુજરાત દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવીને કોન્કલેવમાં ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકોને શુભેચ્છા પાઠવી હતી. 

ભારતીય સુપરમોડેલ, અભિનેતા અને ફિટનેસ એન્થુઝીઆસ્ટ મિલિંદ સોમણ ફેશન ઈન્ડસ્ટ્રીમાં તેમની નોંધપાત્ર કારકિર્દી અને તંદુરસ્ત જીવનશૈલીની હિમાયત માટે જાણીતા છે. તેઓ અસંખ્ય મેરેથોનમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેમના સાહસો દ્વારા સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તેમજ ફિટનેસ માટેના તેમના જુસ્સા માટે પણ તેઓ પ્રખ્યાત છે. આ કોન્કલેવમાં તેમણે પ્રેક્ષકોને વિશેષ સંબોધન કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ વિકાસની સરાહના કરી હતી. તેમણે મૈત્રીપૂર્ણ નીતિઓ માટે તેમજ સસ્ટેનેબલ અને પર્યાવરણને અનુકૂળ એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને અન્ય લોકોને પણ તેમ કરવાની પ્રેરણા આપવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.

આ ઇવેન્ટમાં વૈશ્વિક રૂચિ અને સહભાગિતા જોવા મળી. પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક કોચ માઇક ડ્રુસે પણ કોન્કલેવના પ્રથમ દિવસે એક સંબોધન આપ્યું, જેમાં તેમણે વિશ્વ તેમજ ભારતમાં મેગા હાઇકિંગ ટ્રેલ્સના તેમના અનુભવો શેર કર્યા અને શું કરવું અને શું ન કરવું તે વિશે માહિતી આપી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *