નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લોન્ચ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું.

આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઈમારતો, બહુમાળી મકાનો, હોસ્પિટલ્સ, હોટેલ કે શોપિંગ મોલ્સ, સ્કૂલ-કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફ્ટી સુવિધાઓ વિશે લોકોને સુપેરે જાણકારી મળી રહે તેવો ઇઝ ઑફ લિવિંગ વૃદ્ધિનો અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઇ-પોર્ટલ બનાવવા માટે જનભાગીદારી વ્યૂહ અપનાવીને ફાયર રેગુલેશનના મુસદ્દા અંગે જાહેર વાંધા-સૂચનો મંગાવી તેનો હાઇ લેવલ ટેકનિકલ કમિટી દ્વારા અભ્યાસ કરીને જરૂરી સુધારા વધારા સાથે ફાયર નિયમો બનાવીને સરકારની મંજૂરી આપી છે.

એટલું જ નહીં, આગ સામે પ્રમાણ વધારે જોખમી એવી ઈમારતોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેની રિન્યુઅલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક સર્વગ્રાહી અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઇલ એપની સુવિધા પણ આપવામાં આવી છે.

કોઈ પણ બિલ્ડિંગના ડિઝાઈન લેવલથી શરૂ થઈને બિલ્ડિંગનો ઉપયોગ શરૂ થાય ત્યાં સુધીમાં જુદા-જુદા સ્તરે ફાયર સેફ્ટીની મંજૂરીઓમાં ડિઝાઇન, બાંધકામ અને ઉપયોગ એમ ત્રિસ્તરીય મંજુરીઓ સ્થાનિક ફાયર અને ઇમરજન્સી સર્વિસના અધિકારીઓ દ્વારા અપાતી હોય છે.

આ સમગ્ર પ્રક્રિયા હવે ફાયર સેફ્ટી કોમ્પલાયન્‍સ પોર્ટલ વેબસાઇટ https://gujfiresafetycop.in અને મોબાઇલ એપ દ્વારા વધુ સરળ બની છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ પોર્ટલ લોન્ચ થવાની ફલશ્રુતિએ હવે રાજ્યમાં તમામ પ્રકારની ઈમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી એટ વન ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગ સાથે મળી શકશે.

પોતાની એપ્લિકેશન સ્ટેટસ પણ જાણી શકાશે તેમજ જરૂરી ફી નું ધોરણ રાજ્યભરમાં હવે એક સમાન થશે અને યુ.પી.આઈ અથવા કાર્ડની મદદથી ઓનલાઇન ફીઝ ભરવાની સહુલિયત પણ મળી શકશે.

રાજ્ય સરકારે ફાયર સેફ્ટી ઓફિસર્સ તરીકે તાલીમ આપી સવા બસોથી વધુ ખાનગી વ્યવસાયિકોને FSO તરીકે સક્ષમ બનાવ્યા છે. આ FSO દર છ મહિને બિલ્ડીંગ ધારકો માટે મોક ફાયર ડ્રિલ, જનજાગૃતિ તેમજ ફાયર સેફટી સાધનોની સ્થિતિની તપાસ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી કરી શકશે તેમજ રિન્યૂઅલ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાની પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને પારદર્શિતા આવશે.

ફાયર સેફ્ટી કોપની આ વેબસાઈટ કે મોબાઈલ એપમાં લોગ ઇન કરીને જરૂરી ઉપલબ્ધ વિકલ્પો પ્લાન એપ્રુવલ, સર્ટિફિકેટ એપ્રુવલ, સર્ટિફિકેટ રિન્યુઅલ માંથી જરૂરિયાત પ્રમાણેનો વિકલ્પ પસંદ કરી ૯ અલગ-અલગ સ્ટેપ જેમાં એપ્લિકેશન ડીટેલ,સાઈટ ડીટેલ, બિલ્ડીંગ/પ્રોજેક્ટ ડીટેલ, બ્લોક ડીટેલ, ફાયર પ્રિવેન્શન, લાઈફ સેફટી, ફાયર પ્રોટેક્શન, વગેરેનો સમાવેશ થાય છે તેની જરૂરી માહિતી ભરવા સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *