બોલિવૂડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની ફિલ્મોને લઈને ચર્ચાનો વિષય બને છે. 81 વર્ષની ઉંમરે પણ લોકો તેના કામને જોઈને તેના દિવાના છે. હાલમાં જ અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભની આજે સવારે જ એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ છે. જેના માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 81 વર્ષીય અભિનેતાને ખભાની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ મામલે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની હાલત સ્થિર છે.
બિગ બીએ ‘પ્રતીક્ષા’ને 8 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું
અમિતાભ બચ્ચન મુંબઈમાં સંઘર્ષના દિવસો દરમિયાન કોમેડિયન મહેમૂદના ઘરે રહેતા હતા, તે સમયે તેમની પાસે રહેવા માટે પોતાનું કોઈ સ્થાન ન હતું, પરંતુ આજે તેઓ પ્રતીક્ષા, જલસા, જનક, વત્સ અને આશિયાના નામના પાંચ બંગલાના માલિક છે.
તેમણે પોતાનો પહેલો બંગલો ‘પ્રતીક્ષા’ 1975માં 8 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેઓ વર્ષોથી આ બંગલામાં રહેતા હતા. આ બંગલામાં તમામ સામાજિક કાર્યો થાય છે. અભિષેક અને ઐશ્વર્યાનાં લગ્ન આ બંગલામાં થયાં હતાં.
પ્રતીક્ષાની બાજુમાં ‘જલસા’ બંગલો છે જ્યાં હવે આખો બચ્ચન પરિવાર રહે છે. તેની કિંમત 112 કરોડ રૂપિયા છે. ‘જલસા’ જુહુમાં સ્થિત છે જે લગભગ 10,125 ચોરસ ફૂટમાં બનેલ છે. અમિતાભને આ આલીશાન બંગલો 1982માં ભેટમાં મળ્યો હતો.
અમિતાભની ફિલ્મ સત્તે પે સત્તા 1982માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સફળતા બાદ ફિલ્મ નિર્દેશક રમેશ સિપ્પીએ તેમને આ બંગલો ગિફ્ટ કર્યો હતો. થોડાં વર્ષો પછી બિગ બીએ અહીં પોતાના પરિવાર સાથે રહેવાનું શરૂ કર્યું.