રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા પણ કહ્યુ હતુ.
ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા પહેલા તેમણે આજે રાજકોટમાં માઈ મંદિરમાં દર્શન કર્યા હતા. જાગનાથ મંદિરેથી પદયાત્રા કરીને તેઓ બહુમાળી ચોક ખાતે સભા સ્થળ પર પહોંચ્યા હતા.
બહુમાળી ચોક ખાતે તેમણે વિશાળ સભાને સંબોધી હતી. સાથે જ વિશાળ રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. રોડ શોમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા.
આ સમાજને સહકાર આપવા કહ્યું
રાજકોટમાં બહુમાળી ચોકમાં સભા સંબોધન દરમિયાન પરશોત્તમ રૂપાલાએ જનતાને કહ્યુ હતુ કે તમારા વિસ્તારમાં મત આપવાનું અભિયાન ચલાવજો અને દરેક બુથમાં 100 ટકા મતદાન થાય તે માટે પ્રયાસ કરજો. તેમણે કહ્યુ હતુ કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વિકાસનો રોડ મેપ છે.જેથી વૈશ્વિક મંચ પર ભારત મજબુત બને તે માટે મોદી સરકારને પ્રચંડ બહુમતિ અપાવજો. સાથે જ તેમણે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોનો આભાર માન્યો હતો અને ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા વિનંતી કરી હતી.