Ahmedabad: ગણેશ પંડાલમાં જોવા મળી ‘આપણું અમદાવાદ’ થીમ, હેરિટેજ શહેરથી લોકોને કરાયા માહિતગાર

ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજીના વિવિધ રૂપો જોવા મળે છે. ત્યારે અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ ‘આપણું અમદાવાદ’ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે.

ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવેલી છે. તો હાલના સમયમાં હરણફાળ ગતિએ વિકાસ કરતા શહેરની સામે ઓલ્ડ અમદાવાદની રોનક ગાયબ થઈ રહી છે. જે રોનક પરત લાવવા અને હેરિટેજ અમદાવાદનો દરજ્જો જળવાઈ રહે તે હેતુસર પંડાલમાં “આપણું અમદાવાદ” થીમ જોવા મળી રહી છે.

વિગતવાર વાત કરીએ તો સારથી મિત્રમંડળ છેલ્લા 3થી વર્ષથી દર વર્ષે નવીન થીમ પર ગણેશ પંડાલ બનાવી ગણેશોત્સવ મનાવે છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યારે આ ગ્રુપના 12 જેટલા યુવાનો 30 થી 35 દિવસ સખત મહેનત કરીને પંડાલ તૈયાર કરે છે તેમજ ઈકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ બનાવે છે.

હેરિટેજ શહેરથી લોકોને કરાયા માહિતગાર
પ્રકૃતિને નુકશાન ન પહોંચે તે ધ્યાને રાખી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ યુવાનોએ ‘વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદ’ ની ઓળખ ગણાતા સ્થાપત્યો તૈયાર કર્યા છે. જેમાં ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, ઝુલતા મિનારા, ગાંધી આશ્રમ, પતંગ હોટલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એર પોર્ટ, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રથમ બ્રિજ એટલે કે એલિસબ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ તથા અટલ બ્રિજ જેવા મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે.

આસપાસના વિસ્તારોમાંથી લોકો આ અદ્ભુત ગણપતિ તથા પંડાલના દર્શન કરવા ઉમટી રહ્યા છે. સારથી પરિવાર ગણપતિ બાપ્પાની સવાર-સાંજ આરતી કરે છે અને દસમા દિવસે બાપ્પાનું વિધિવત સોસાયટીના પ્રાંગણમાં જ કુંડ બનાવી વિસર્જન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *