ચીનની પાંચ દિવસીય રાજદ્વારી મુલાકાતથી પરત ફર્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું ભારત પ્રત્યેનું વલણ બદલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. મુઈઝુ સરકારે ફરી એકવાર જૂની ધૂન વગાડી છે અને ભારતને માર્ચના મધ્ય સુધીમાં માલદીવમાંથી તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું છે. અધિકારીઓએ આ માહિતી રવિવારે આપી હતી.
અહેવાલ પ્રમાણે વાત કરીએ તો રાષ્ટ્રપતિ કાર્યાલયે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારતને ઔપચારિક રીતે 15 માર્ચ સુધીમાં તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા માટે કહ્યું છે. જેની અંદાજિત સંખ્યા 88 છે. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો દ્વારા રચિત ઉચ્ચ સ્તરીય કોર જૂથે રવિવારે સવારે માલેમાં સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર પણ હાજર હતા.