સુરત માત્ર ડાયમંડ હબ જ નહીં પરંતુ ટેક્સટાઈલ હબ પણ છે. આવી જ એક ભેટ સુરતની ફેશન ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા, વડાપ્રધાનને આપવામાં આવી હતી. જેમાં દેશના 29 રાજ્યોના કપડાંમાંથી ગુલદસ્તો બનાવવામાં આવ્યો છે. આ કલગીની વિશેષતા એ છે કે, તેમાં ટેક્નિકલ ટેક્સટાઈલ દ્વારા સુગંધ પણ ઉમેરવામાં આવી છે, જેની સુગંધ બે થી ત્રણ વર્ષ સુધી રહેશે. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ સાંસદ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પુષ્પગુચ્છ આપવામાં આવ્યો હતો.
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. સુરતમાં વડાપ્રધાનના આગમનને લઈને સુરતના લોકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના સ્વાગત માટે તેમના 8 કિલોમીટરના માર્ગની બંને બાજુ લોકોના ટોળા એકઠા થયા હતા. બીજી તરફ સુરતીઓએ પણ ગિફ્ટ આપવા માટે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. આ અંતર્ગત સુરતની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (આઈડીટી)ના 6 વિદ્યાર્થીઓએ 35 દિવસની મહેનતથી અનોખો કાપડનો કલગી તૈયાર કર્યો છે.
આ કલગીમાં દેશના વિવિધ રાજ્યોના પરંપરાગત કપડાંનો, ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં બનારસી સિલ્ક (ઉત્તર પ્રદેશ), ચામા સિલ્ક (છત્તીસગઢ), ચંદેરી (મધ્યપ્રદેશ), બાંધણી (ગુજરાત), ઇકત (તેલંગાણા), બનાના ફેબ્રિક (આંધ્રપ્રદેશ), કલમકરી (જમ્મુ અને કાશ્મીર), કસાવુ (કેરળ), ઇકત (પશ્ચિમ બંગાળ), ચિકનકારી (ઉત્તર પ્રદેશ), સંબલપુરી સાડી (ઓરિસ્સા), મૂંગા સિલ્ક (આસામ) વગેરે શામિલ છે.
આઈડીટીના ડાયરેક્ટર અનુપમ ગોયલે જણાવ્યું હતું કે,” ગુજરાતમાં બાંધણીથી લઈને હૈદરાબાદના પોચમપલ્લી સુધી, ગુલદસ્તો રંગો અને ટેક્સચરની સુંદરતા દર્શાવે છે. કલગીની વિશેષતા એ છે કે, તેમાં ટેક્નિકલ ટેક્સટાઈલ દ્વારા સુગંધ લાવવામાં આવી છે, જે ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષ સુધી ચાલશે.”