રાજકોટ જિલ્લામાં તા. ૬ માર્ચના રોજ ”વિકસિત ભારત – વિકસિત ગુજરાત : નારી શક્તિ વંદના” કાર્યક્રમ, તા. ૭ માર્ચના રોજ જિલ્લા કક્ષાની મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ તથા તા. ૧૦ના રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાશે. આ ત્રિદિવસીય કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગેની સમીક્ષા બેઠક રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
પાટણ ખાતેથી તા. ૬ માર્ચના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારા રાજયકક્ષાના ”વિકસિત ભારત – વિકસિત ગુજરાત : નારીશક્તિ વંદના” કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજકોટ જિલ્લામાં થશે. આ જ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરનારા છે. ત્યારે રાજકોટ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો ઉપર ”વિકસિત ભારત – વિકસિત ગુજરાત : નારીશક્તિ વંદના” કાર્યક્રમના સુચારૂ આયોજન અંગેની તમામ બાબતો વિશે સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. રાજકોટ ગ્રામ્યનો કાર્યક્રમ મવડી (પાળ)માં શિવ ટાઉનશીપ, ગોંડલમાં જૂના માર્કેટ યાર્ડ, જેતપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઉપલેટામાં વિદ્યામંદિર, જસદણમાં જૂનું માર્કેટ યાર્ડ સહિતના સ્થળોએ નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત, કલેકટરશ્રી પ્રભવ જોષીએ તા. ૭ માર્ચે રાજકોટ જિલ્લા કક્ષાએ યોજાનારા ‘વિશ્વ મહિલા દિવસ’ની ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે સ્થળ પસંદગી (સંભવિત વિરબાઇ મહિલા કોલેજ), વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત મહિલાઓના સન્માનની યાદી કરવા, પ્રદર્શન સ્ટોલની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આમંત્રણ સહિતના વિષયો ઉપર ચર્ચા-વિચારણા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ વગેરેના મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવા સુચના આપી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મહિલા કલ્યાણલક્ષી સરકારી યોજનાઓ જેવી કે અભયમ હેલ્પલાઇન, ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, સમાજ સુરક્ષા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સ્ટોલ જનજાગૃતિ અર્થે રાખવામાં આવશે.
વધુમાં, રાજકોટ શહેરમાં (સંભવિત પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે) તા. ૧૦ના રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાશે. જેના સુચારૂ આયોજન માટે કલેકટરશ્રી પ્રભવ જોષીએ આવશ્યક સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિકારો, કૃષિ સખી, યોગ શિક્ષકો ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણે, ટ્રાફિક નાયબ પોલીસ કમિશનરશ્રી પૂજા યાદવ, નિવાસી અધિક કલેકટરશ્રી ચેતનભાઈ ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. વસ્તાણી, પ્રાંત અધિકારીશ્રી નિશા ચૌધરી, મ્યુ. કોર્પોરેશનના રિજિયોનલ અધિક કલેકટરશ્રી ઇલાબેન ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવે સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જે. એન. લીખીયા, ગ્રીષ્માબેન રાઠવા, વિમલ ચતુર્વેદી સહિત વિવિધ તાલુકાઓના પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો અને મામલતદારો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.