દેશ અને રાજ્યમાં વિવિધ તબક્કે કોઈ મોટી હોનારત કે ખાના ખરાબી સર્જાય ત્યારે વહિવટી તંત્ર અને તેની વિવિધ એજન્સીઓ હર હંમેશ લોકોની પડખે હાજર રહીને સુરક્ષા પ્રદાન કરતી હોય છે. પરતું શાંતિના સમયમાં પણ તેઓ સતત કાર્યરત તથા અભ્યાસ કરતા રહેતા હોય છે. આવા જ એક અભ્યાસના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટ વહિવટી તંત્ર દ્વારા મોરબી રોડ પર આવેલા ગૌરીદડ ગામ પાસે એક મોકડ્રીલ કવાયત યોજવામા આવી હતી.
જેમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ગૌરીદડ સ્થિત ડેપોમાંથી પસાર થતી મથુરા-સલાયા પાઈપલાઈનના મેઈનટેનન્સ દરમિયાન ગેસ લિકેજ થતા આગ લાગી હતી. જે અંગે કંપનીને મેઈનટેનન્સ ટીમ દ્વારા જાણ કરાઈ હતી. કંપનીના કંટ્રોલરૂમ દ્વારા ફાયર ડિપર્ટમેન્ટ, જિલ્લા વહિવટી તંત્રના આપદા નિવારણ વિભાગ, પોલીસને જાણ કરવામાં આવી હતી. તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા.
આ અરસામાં બે ફાયર સ્ટેશન તથા ગેસ લિકેજ ટીમને સંદેશ મળતા જ સમયસર પહોંચીને પોતાની સુઝબુઝ અને સમયસુચકતા વાપરીને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ત્યાંથી પસાર થતી વિજ લાઈનમાં વિજ પુરવઠાને સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે સંભવિત જાનહાનિને અટકાવવામાં સફળતા મળી હતી. આ સમયે ગેસ પાઈપલાઈનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ચપળતા અને સતર્કતાથી તાત્કાલીક બુઝાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ પાઈપલાઈનમાં થયેલા લિકેજને પણ ગેસ લિકેજ ટીમે દ્વારા તાત્કાલિક અસરથી રીપેર કરી દેવામાં આવ્યું હતુ. આમ, કોઈ પણ જાનહાનિ વિના સલામત રીતે પરિસ્થિતિને પુર્વવત કરવામાં જિલ્લા વહિવટી તંત્રના આપદા વિભાગ તથા અન્ય એજન્સીઓને સફળતા મળી હતી.
આઈ.ઓ.સી, બી.પી.સી.એલ, ગુજરાત ગેસ લીમીટેડ, જી.એસ.પી.સી, મેડીકલ, ફાયરબ્રીગેડ જેવી ૮ જેટલી એજન્સીઓના અંદાજિત ૫૦ થી વધુ લોકોએ આ મોકડ્રિલમાં ભાગ લીધો હતો. અંદાજિત ૪૦ મિનીટ ચાલેલી આ મોકડ્રીલમાં અનેક મહામુલી માનવ જિંદગી બચાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. હાઈ-વે પરથી પસાર થનારા અનેક લોકોના મનમાં આ કાર્યવાહીએ ભારે કુતુહલ જન્માવ્યું હતું.