વિદેશ મંત્રી એસ જયશંકરે સિંગાપોરની તેમની ત્રણ દિવસીય મુલાકાત નું સમાપન કરતાં કહ્યું કે આ મુલાકાત થી ભારત અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની તક મળી છે . સિંગાપોરની તેમની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે ત્યાંના નેતાઓ અને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ સાથે કેટલીક દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.
વિદેશ મંત્રી એ ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરવા માટે સિંગાપોરના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ, વિદેશ મંત્રી અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી. શ્રી જયશંકર દક્ષિણપૂર્વ એશિયાની તેમની બે દેશોની મુલાકાતના બીજા તબક્કામાં વિયેતનામ બાદ સિંગાપોર પહોંચ્યા હતા. તેઓ સિંગાપોરના નાયબ નાણાં મંત્રી લોરેન્સ વોંગને પણ મળ્યા હતા અને ફિનટેક, ડિજિટલાઇઝેશન, ગ્રીન ઇકોનોમી, કૌશલ્ય વિકાસ અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા ચર્ચા કરી હતી. ડૉ. જયશંકર રાષ્ટ્રીય સુરક્ષા સંકલન મંત્રી ટીઓ ચી હેન અને સંરક્ષણ મંત્રી એનજી એન્ગ હેનને પણ મળ્યા અને દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.