પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના પ્રદૂષણ રહિત તથા પર્યાવરણ અનુકૂળ આ યોજના વિકસિત ભારતના સ્વપ્નને સાર્થક કરવા માઇલસ્ટોન સાબિત થશે. ધોરાજીના જસ્મીનભાઈને રૂ.૭૮ હજારની સબસીડી મળી અને વીજ બિલ શૂન્ય થયું.
પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના કાર્યરત ન હોત તો મારા ઘરે આજે સોલાર સિસ્ટમ લાગી ન હોત: લાભાર્થી જસ્મીનભાઇ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોના ૧૦ હજારથી વધુ ઘરમા સોલાર સિસ્ટમ લગાવાઇ : આ યોજનાથી રોજગારીની નવી તકો પણ નિર્માણ પામી- અધિક્ષક ઇજનેર એચ.ડી. વ્યાસ
સૂરજના કિરણોથી ફક્ત વિટામિન ડી જ નથી મળતું, સૂરજના કિરણોથી વિટામીન એમ (મની) પણ મળી શકે છે. હિન્દુ સંસ્કૃતિમાં સૂરજને દેવતાનું સ્થાન અપાયું છે. પાણીની જેમ જ સૂરજ પણ જીવનનો આધાર છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા સૂર્ય કિરણો પણ માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. હાલના સમયે કોલસો વીજળીનો મુખ્ય આધાર છે. પણ, કોલસા દ્વારા થતું વીજ ઉત્પાદન મોંઘુ હોવાની સાથે પર્યાવરણને પણ ક્યાંકને ક્યાંક નુકસાન કરતું હોય છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીની પહેલ કરી દેશમાં પુનઃ પ્રાપ્ત ઉર્જાનો વ્યાપ વધારવા અને પર્યાવરણને અનુકૂળ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની ફેબ્રુઆરી ૨૦૨૪મા જાહેરાત કરી હતી. આ યોજનાથી વીજ ગ્રાહકો હવે વીજ ઉત્પાદક બન્યા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતા જસ્મીનભાઈ હિરપરાએ પોતાના ઘરે ત્રણ કિલોની સોલાર સિસ્ટમ લગાવી છે. જેમાં તેમને અંદાજે રૂપિયા ૧.૬૦ લાખનો ખર્ચ થયો છે. મધ્યમ વર્ગીય પરિવાર માટે આટલો ખર્ચ વધુ પડતો હોય આ અંગે લાભાર્થી જસ્મીનભાઇએ હર્ષ સાથે કહ્યું કે, “પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના કાર્યરત ન હોત તો મારા ઘરે આજે સોલાર સિસ્ટમ લાગી ન હોત, કેન્દ્ર સરકારની આ યોજનાથી અને પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓના સહયોગથી મને રૂ.૭૮ હજારની માતબર રકમની સબસીડી મળી છે જે કુલ ખર્ચના ૫૦ ટકા જેટલી છે. લાભાર્થી એ વધુમાં જણાવ્યું હતું કે, “સોલાર લગાવ્યા બાદ મારા ઘરનું વીજબીલ શૂન્ય થયું, વીજળીનો ખર્ચ બચ્યો અને યુનિટ જમા થાય છે, સોલાર લગાવવાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતું નથી”. યોજનાનો લાભ આપવા બદલ લાભાર્થી જસ્મીનભાઇએ સરકારશ્રી તેમજ પી.જી.વી.સી.એલ.નો આભાર વ્યક્ત કર્યો હતો.
પીજીવીસીએલ રાજકોટ ગ્રામ્યના અધિક્ષક ઇજનેર શ્રી એચ.ડી.વ્યાસે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના ઉર્જા ક્ષેત્રની ખૂબ જ મહત્વની યોજના છે, આ યોજનાના ઘણા બધા ફાયદા છે, અમારા ગ્રાહકો હવે જાતે વીજળી ઉત્પન્ન કરતા થયા છે, ગ્રાહકો વિચારીને જરૂરિયાત મુજબ વીજળીનો ઉપયોગ કરે છે, ગ્રાહકો વિચારતા થયા છે કે યુનિટના વધુ વપરાશને બદલે યુનિટની બચત થાય જેથી કંપની દ્વારા વળતર મળી રહે”.
અધિક્ષકશ્રીએ વધુમાં કહ્યું કે, પીજીવીસીએલ રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીમાં અત્યાર સુધીમાં ૧૪ હજાર સોલાર રૂફટોપ માટે અરજી મળી છે. જે પૈકી ૧૦,૫૭૦ ઘરમાં સિસ્ટમ લગાવવામાં આવી જેમા ૪૭ મેગાવોટ જેટલી સોલાર ઉત્પાદનની ક્ષમતા છે, સરકારની આ યોજનાથી રોજગારીમાં નવી તકો નિર્માણ પામી છે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૨૭૯ જેટલી એજન્સી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે કામ કરે છે, આ એજન્સીઓમાં જોડાયેલા કર્મચારીઓને રોજગારી મળે છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ સૂર્યઘર મફત વિજળી યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ બે કિલો વોટ સુધી પ્રતિ કિલોવોટ રૂ.૩૦ હજાર સુધીની સબસીડી અને બે કિલોથી 3 કિલોમા રૂ.૧૮ હજાર સુધીની સબસીડી મળે છે. આમ, જો કોઈ લાભાર્થી ત્રણ કિલોની સિસ્ટમ ફીટ કરાવે તો તેમને રૂ. ૭૮ હજાર રકમની સબસીડી રૂપે સહાય મળે છે. ત્યારે આ યોજના હાલ અનેક પરિવારો માટે લાભદાયક બની રહી છે.