રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે મંગાવાઈ અરજીઓ, આ તારીખ સુધી કરી શકાશે અરજી

રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ-ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ઉપક્રમે ‘‘રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવહોરણ સ્પર્ધા ૨૦૨૪’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૩૦મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.  

આ સ્પર્ધા જૂનિયર વિભાગ – ભાઈઓ, જુનિયર વિભાગ – બહેનો એમ બે વિભાગમાં યોજાશે. જેમાં ૧૪થી ૧૮ વર્ષની વયમર્યાદા ધરાવતાં ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ પર્વત ખાતે સ્વ ખર્ચે આવવા-જવાનું રહેશે. સ્પર્ધા દરમિયાન નિવાસ અને ભોજન રાજ્ય સરકાર તરફથી અપાશે. 

ગુજરાતના ઈડર, પાવાગઢ, ચોટીલા અને ગીરનાર ખાતે આયોજિત રાજ્યકક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫માં જૂનિયર કક્ષાએ ભાગ લેનાર સ્પર્ધકો ઓસમની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. આ સ્પર્ધામાં ૧થી ૧૦ ક્રમે વિજેતા થનારા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ –અવહોરણ સ્પર્ધામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે. 

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ ભરીને આધાર પુરાવા સાથે ‘‘જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે ૩૦મી ઓક્ટોબર સુધીના બપોરે ૧૨ કલાક પહેલાં અરજી રૂબરૂ અથવા ટપાલથી પહોંચાડવાની રહેશે. અધુરી વિગતોવાળા તેમજ સમયમર્યાદા પછી મળેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી. દિહોરાની યાદીમાં જણાવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *