રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળ દર્દીઓને સારવારની સાથે મનને પ્રફુલ્લિત કરતું વાતાવરણ મળી રહે તે હેતુસર સિવિલ હોસ્પિટલના માતૃત્વ અને બાળ કલ્યાણ વિભાગને રંગબેરંગી ચિત્રો થકી સપ્તરંગી બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવ નિર્મિત MCH – મેટરનલ અને ચાઇલ્ડ હેલ્થ કેર વિભાગનું ટુંક સમયમાં લોકાર્પણ થનાર છે. જેમાં બાળ દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવશે.
“ચિત્રનગરી” પ્રોજેક્ટ હેઠળ બાળ દર્દીઓને માટે કુલ ૫૧ ચિત્રકારો દ્વારા ૧૨ કલાકની અંદર ૬૦ થી વધારે ચિત્રો દોરીને માતૃત્વ અને બાળ કલ્યાણ (MCH) વિભાગના દરેક વોર્ડની દીવાલોને રંગબેરંગી બનાવવામાં આવી છે. કુદરતી દ્રશ્ય, પશુ – પક્ષીના ચિત્રો, ઉદ્યાન, નદીની થીમ, સામાન્ય જ્ઞાનની સમજ આપતા સહિતના ચિત્રો દોરવામાં આવ્યા છે તેમ ડૉ.મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું.
આ તકે સિવિલ હોસ્પિટલના અધિકક્ષશ્રી આર.એસ.ત્રિવેદી અને બાળ નિષ્ણાંત ડૉ. પંકજ બુચે બાળકોના વોર્ડને સપ્તરંગી બનાવનાર સર્વે ચિત્રોકારોને પ્રમાણપત્ર અને ભેટ આપીને તેમની કામગીરીને બિરદાવી હતી અને બાળ દર્દીઓની સારવારમાં “ચિત્રનગરી” પ્રોજેક્ટ અસરકારક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.