દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત

દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થતા પુન: ગુજરાતના પશુપાલકોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં સુરતના શ્રી નિલેશભાઈ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના શ્રીમતી બ્રિન્દા શાહને તૃતીય ક્રમે ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે. એટલુ જ નહિં, પશુધન ક્ષેત્રનું આજે ભારતીય અર્થતંત્રમાં ખુબ મોટું યોગદાન છે. આ ક્ષેત્રમાં કાર્યરત એઆઈ ટેકનિશિયન અને ડેરી સહકારી મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને આ એવોર્ડ ૧. દેશી ગાય/ભેંસની જાતિઓ ઉછેરના શ્રેષ્ઠ ડેરી ખેડૂત, ૨. શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી /દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા અને ૩. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT) એમ કુલ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.

આ માટે ઓનલાઈન પોર્ટલ પર દેશભરમાંથી પશુપાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ ૧૭૭૦ અરજીઓ પૈકી અલગ-અલગ ત્રણ કેટેગરી માટે પસંદગી પામેલા ૧૦ પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલકોનો સમાવેશ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *