રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં’નેશનલ ક્લીન એર પોગ્રામ’અમલી

ગુજરાત સરકારે પ્રદૂષણ અટકાવવા અનેકવિધ નવતર પહેલ હાથ ધરી છે. હવા પ્રદૂષણ માટે ઉદ્યોગોની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન વગેરે પરિબળો જવાબદાર હોવાથી તમામને સાંકળી રાજ્યના અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ એમ મુખ્ય ચાર શહેરોમાં ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’- NCAPનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંર્તગત ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ, હવાની ગુણવત્તા માપણીના સાધનો, ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગોમાં ક્લીન ફ્યુઅલનો વપરાશ વગેરે પર રાજ્ય સરકાર દ્વારા સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરક્યુલર ઇકોનોમીના અભિગમને પ્રાધાન્ય આપવા કચરાનો પુન:વપરાશ,વેસ્ટ રીસાયક્લીંગ તથા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી પુન:વપરાશ વગેરે કાર્યોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે ઉદ્યોગો, ઔદ્યોગિક એસોસીએશન વગેરેનું કેપેસીટી બિલ્ડીંગ તથા જન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નવીનત્તમ ટેકનોલોજી થકી પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યા રહ્યા છે, જે પૈકી પાર્ટીક્યુલેટ મેટર-સૂક્ષ્મ કણો નિયંત્રણ માટે પ્રથમવાર સુરત તથા અમદાવાદમાં કાર્યરત ‘એમિશન ટ્રેડીંગ સ્કીમ’ પાયલોટ પ્રોજેક્ટ, જોખમી કચરાના પરિવહન દરમિયાન ટ્રેકિંગ માટે કાર્યરત GPS આધારીત વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સિસ્ટમ-VLTS, કોમન મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટર્સ-MEE, સ્પ્રે ડ્રાયર માટે મેનીફેસ્ટ સિસ્ટમ તથા કોમન સ્પ્રે ડ્રાયર માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં જોખમી કચરાના હેરફેર માટે VLTS સિસ્ટમ ઊભી કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હોવાના પરિણામે આ VLTSને વર્ષ ૨૦૨૩માં પર્યાવરણ ક્ષેત્રની કામગીરી માટે ‘સ્કોચ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

વધુમાં બાયસેગ સાથે સંકલન કરી GIS ટુલ બનાવાયુ છે જે નવા ઉદ્યોગો માટે સાઇટીંગ ક્રાઇટેરીયા મુજબ ઉદ્યોગને મંજૂરી આપી શકાય કે કેમ તે અંગેનો નિર્ણય કરવામાં સહાયરૂપ છે. સરકાર દ્વારા પેપરલેસ ઓફીસની દિશામાં આગળ વધવા માટે e-સરકાર જેવી ઓનલાઇન સીસ્ટમ વિકસાવાઇ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર નિયમનકાર તરીકે જ નહિ પરંતુ સુવિધાપ્રદાતા તરીકેની અસરકારક ભૂમિકા ભજવે છે. રાજ્યમાં વિવિધ વિસ્તારના પ્રદૂષણને લગતી સમસ્યાઓના નિવારણ તેમજ તેના સમાધાન માટે બોર્ડે ‘પર્યાવરણીય ક્લિનીક” તથા “ઓપન હાઉસ”નો નવતર અભિગમ અપનાવ્યો છે. લઘુ તથા મધ્યમ પ્રકારના એકમોને એક્ષજીએનને લગતી બાબતોમાં સરળતા પ્રદાન કરવા બોર્ડની તમામ પ્રાદેશિક કચેરીઓ તથા વડી કચેરી ખાતે સહાયતા કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ એ ક્લીનર પ્રોડક્શન સેન્ટર સાથે સંકલનમાં રહીને પ્રદૂષણ અટકાવવા અને સ્ત્રોત પર પ્રદૂષણના નિયંત્રણ માટે પણ કામ કરે છે. કાપડ ક્ષેત્ર માટે શ્રેષ્ઠ ઉપલબ્ધ ટેકનોલોજી સંદર્ભે દસ્તાવેજો વિકસાવવા જર્મન સરકારની ફેડરલ એજન્સી યુ.બી.એ સાથેનો નવતર અભિગમ છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત આજે વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જના પડકારો અંગે યોગ્ય પગલાં લેવા અગ્રેસર બન્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ પર્યાવરણીય સુરક્ષાની સાથે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટને ધ્યાને લઇ પર્યાવરણની સુરક્ષા માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા કરવા તથા નવીનત્તમ ટેકનોલોજીના વપરાશ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રી ‘‘સ્વચ્છ ભારત મિશન’’, “મિશન લાઈફ’’ અને ‘‘આઝાદીનો અમૃત મહોત્સવ’’ જેવા કાર્યક્રમ મારફતે દેશવાસીઓને પર્યાવરણની જાળવણી માટે સતત જાગૃત કરી રહ્યા છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે મિશન મોડમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સોલાર મિશન, નેટ ઝીરો વેસ્ટ ટાર્ગેટ, સિંગલયુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ, સ્વચ્છ ભારત મિશન અંર્તગત ગામ, કોસ્ટલ એરીયાની સફાઇ, સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી, ઇલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન વગેરે પ્રકારની નવીનત્તમ પહેલથી રાજ્યમાં પર્યાવરણીય સંરક્ષણની સાથે યુવાપેઢીને રોજગારી પણ ઉપલબ્ધ થઇ રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી તેમજ પ્રાદેશિક કચેરીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા ઓઝોન દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, ધરતી દિવસ અને ઇકો ફેન્ડલી ગણેશ ઉત્સવ જેવા કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ વ્યવસ્થાપનને ધ્યાને લઇને નાગરિકોમાં પર્યાવરણ બચાવવા અંગે જન-જાગૃતિ આવે તે હેતુથી વિવિધ વર્કશોપ તથા સેમીનારોનું આયોજન પણ કરવામાં આવે છે.

પર્યાવરણીય સુરક્ષા તથા આપણી આગામી પેઢીને શુધ્ધ હવા, પાણી તથા જમીન આપવા માટે દેશના તમામ નાગરિકોએ યોગ્ય પ્રયત્નો કરવા જોઇએ આપણા શાસ્ત્રોમાં પણ પ્રકૃતિની રક્ષા કરવા પર ભાર મૂકાયો છે. આવો, આપણે સૌ સાથે મળીને આપણા રાજ્યના પર્યાવરણની જાળવણી માટે આજે એટલે કે તા. 02 ડિસેમ્બર-રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસથી સંયુક્ત પ્રયાસો હાથ ધરીને આગામી પેઢીને સ્વચ્છ-સુરક્ષિત પર્યાવરણ તેમજ શુદ્ધ હવાની ભેટ આપવાનો સંકલ્પ કરીએ. ઉલ્લેખનીય છે કે, તા. 02 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં યુનિયન કાર્બાઈડના કેમિકલ પ્લાન્ટમાંથી મિથાઈલ આઈસોસાયનેટ (MIC) સહિત ઝેરી રસાયણો લીક થતા મોટી ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા જેના માનમાં દર વર્ષે ભારતભરમાં 2 ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ મનાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *