મુખ્યમંત્રીએ તાના-રીરીની સ્મૃતિમાં આયોજિત ‘તાના-રીરી મહોત્સવ 2023’નો વડનગર ખાતે કરાવ્યો શુભારંભ

તાના-રીરી સન્માન સમારોહ અને એવોર્ડ વિતરણ મહોત્સવ તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજો, મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.આ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે.

તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ-રાગીણીઓની વિરાસત દુનિયાને આપી છે તેમ વડનગર ખાતેથી તાના રીરી સંગીત મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતના પનોતાપુત્ર અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં તાના-રીરી મહોત્સવ પ્રસંગે આવવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે.

તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વનેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વડનગરની આ ધરતી તાનારીરીથી લઈને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવા આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.

પ્રાચીન અને પુરાતન સંસ્કૃતિ, કળા, સાહિત્ય, સંગીત, ધર્મ સ્થાનકો આ બધાનો સમયાનુકૂળ વિકાસ કઈ રીતે થઈ શકે તેનું વિઝન આપણે વિકસાવ્યું છે, તેવું કહી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા આ વિરાસતના વિકાસ અને સંવર્ધનનું કામ વડનગરની ધરાના જ સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમજ્યંતિ વર્ષ-૨૦૧૦માં તાના-રીરીની સ્મૃતિમાં સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો- સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી.આ પરંપરામાં આજે વર્ષ-૨૦૨૨નો એવોર્ડ સુશ્રી કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને તથા વર્ષ ૨૦૨૩ માટે સુશ્રી આરતી અંકલિકરને તાના-રીરી સન્માન એવોર્ડ અર્પણ થયા છે.

વડનગરના વિકાસની વાત કરતા મુખ્યમંત્રી શ્રી એ કહ્યું હતું કે, આ ઐતિહાસિક નગર વડાપ્રધાનશ્રીના આગવા દિશાદર્શનને પરિણામે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, અને પરિવહનના વિવિધ પ્રકલ્પો પામીને વિકાસના રહે આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું હતું તેને ‘પ્રેરણા સ્કૂલ’ તરીકે રાજ્ય સરકાર ડેવલપ કરી રહી છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, પ્રેરણા સ્કૂલનો આ અભિનવ વિચાર આપણે રાજ્યની અન્ય શાળાઓમાં પણ અમલી કરવા જઇ રહ્યા છીએ. આધુનિક સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રેરણા સ્કૂલ દેશની મોડલ અને આઇકોનિક સ્કૂલ બનવાની છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વતનભૂમિ વડનગરને ૨૦૧૭માં નવી GMERS મેડિકલ કોલેજ-હોસ્પિટલની ભેટ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *