ગુજરાતમાં કેન્સર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્સરના નવા દર્દીઓ અને કેન્સરનો ભોગ બની મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં રાજ્યમાં વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં એક વર્ષમાં કેન્સરના 73 હજાર કેસ નોંધાયા છે, જ્યારે 40 હજાર જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં દરરોજ સરેરાશ 111 વ્યક્તિ કેન્સર સામેના જંગમાં જીવન ગુમાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં જ 1.91 લાખ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા છે. તમાકું-સિગારેટના વ્યસનને કારણે મોંઢાના કેન્સરના કેસમાં પણ વધારો થાય છે. ગુજરાતમાં કેન્સરગ્રસ્ત પુરૂષ દર્દીઓમાંથી અંદાજે 21.50 ટકા મોંઢાનું, 11.50 ટકાને જીભનું, 8.10 ટકાને ફેફ્સાનું, 5.20 ટકાને અન્નનળીનું જ્યારે 3.50 ટકાને પ્રોસ્ટેટનું કેન્સર છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં મોઢાના કેન્સરના વર્ષ 2021માં 1978, 2022માં 1826, 2023માં 1727 કેસ નોંધાયા હતા. મોઢા બાદ જીભના કેન્સરના સૌથી વધુ દર્દી છે. જીભના કેન્સરના 2021માં 982, 2022માં 947 અને 2023માં 916 કેસ સામે આવ્યા હતા.