વિંછીયામાં 16ના મુખ્યમંત્રીના વરદ હસ્તે વિચરતી વિમુક્ત જાતિના 133 પરિવારોને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ કરાશે

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ માટે વિંછીયા ખાતે તા.૧૬ના પધારનાર છે, ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ૫ ગામોના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૩ પરિવારોને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવશે. મોઢુકા ગામમાં ૫, દડલીમાં ૮, સોમપીપળીયામાં ૨૪, વિંછીયામાં ૪૦, સમઢીયાળામાં ૫૬ લાભાર્થીઓને પ્લોટ મળતાં કુલ ૧૩૩ લાભાર્થીઓ અને પરિવારજનો સહીત ૫૦૦થી વધુ લોકોને આશ્રય મળશે. ઉપરાંત, લાભાર્થીઓ આ પ્લોટ પર ઘર બાંધવા માટે પંડીત દીનદયાળ આવાસ યોજના કે પ્રધાનામંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મેળવી પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકશે.

નોંધનીય છે કે, મે માસમાં જસદણમાં ૧૬૭ પરિવારોને અને જુલાઈ માસમાં ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે ૩૮ પરિવારોને મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧૦૦ ચોરસ વારનાં પ્લોટનું સનદ વિતરણ કરવામાં આવ્યુ હતું.

PMAY-G પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ યોજના અંતર્ગત લોકોને પાક્કું મકાન તૈયાર કરવા સહાય પુરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં મકાન બાંધવાની કામગીરીની પ્રગતી ચકાસીને કુલ ૧.૨ લાખની સહાય ડી.બી.ટી. દ્વારા સીધી બેંક ખાતામાં જ આપવામાં આવે છે. ઉપરાંત, શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦ અને મનરેગા અંતર્ગત ૯૦ દિવસના કાર્ય માટે રૂ.૧૮,૦૦૦ પણ આપવામાં આવે છે. આમ, ગ્રામીણ વિસ્તારમાં નવું મકાન બાંધવા માટે રૂ.૧.૫ લાખ જેટલી સહાય આપવામાં આવે છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી જાતિઓના ઘર વિહોણા વ્યક્તિઓને મકાન માટે રૂ. ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. ઉપરાંત શૌચાલય, બાથરૂમ, મનરેગા અંતર્ગત અન્ય મળીને લગભગ દોઢ લાખ જેટલી સહાય મળવાપાત્ર છે. આ યોજનાનું અમલીકરણ જિલ્લાના નાયબ નિયામકશ્રી / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરી દ્વારા કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *